હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઐતિહાસિક વાપસી: ૧૫ વર્ષ બાદ વિરાટ કોહલીનું વિજય હઝારે ટ્રોફીમાં પુનરાગમન: બીસીસીઆઈના આદેશ બાદ દિલ્હીની ટીમમાંથી રમશે: ટુર્નામેન્ટ ૨૪ ડિસેમ્બરથી શરૂ
બીસીસીઆઈનું કડક વલણ: વન-ડે ટીમમાં સ્થાન જાળવી રાખવા માટે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત: વિરાટની સાથે રોહિત શર્મા પણ મુંબઈની ટીમ વતી રમશે

મુંબઈ: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ૧૫ વર્ષ બાદ ફરી એકવાર ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ 'વિજય હઝારે ટ્રોફી'માં રમતા જોવા મળશે. વિરાટ કોહલીએ દિલ્હી ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ને ફોન કરીને પોતાની ઉપલબ્ધિ વિશે જાણ કરી છે અને બોર્ડે તેની પુષ્ટિ પણ કરી છે.
૨૪ ડિસેમ્બરથી ટુર્નામેન્ટનો પ્રારંભ: આ ટુર્નામેન્ટની શરૂઆત ૨૪ ડિસેમ્બરથી અમદાવાદમાં થશે. વિરાટ કોહલી છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૦માં સર્વિસીઝ સામે વિજય હઝારે ટ્રોફીની મેચ રમ્યા હતા. હવે દોઢ દાયકા પછી તેઓ ફરીથી દિલ્હીની જર્સીમાં મેદાન પર ઉતરશે.
બીસીસીઆઈનો આદેશ: વન-ડે ટીમમાં રહેવું હોય તો ઘરેલુ ક્રિકેટ રમો: બીસીસીઆઈ દ્વારા ૨૦ દિવસ પહેલા જ રોહિત શર્મા અને વિરાટ કોહલીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો તેમણે ભારત માટે વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું હોય, તો તેમણે ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવો પડશે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત છે.
કોહલીનું હાલનું ફોર્મ અને નિવૃત્તિ: ઉલ્લેખનીય છે કે કોહલીએ ૨૯ જૂન, ૨૦૨૪ના રોજ ટી-૨૦ ક્રિકેટમાંથી અને ૧૨ મે, ૨૦૨૫ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલમાં તેઓ માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમી રહ્યા છે. તાજેતરમાં રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે તેમણે પોતાની ૫૨મી વન-ડે સદી ફટકારી હતી અને ૧૩૫ રનની ઈનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.
દિલ્હીની મેચો બેંગલુરુમાં રમાશે: દિલ્હીની લીગ મેચો બેંગલુરુમાં રમાશે. જેમાં પાંચ મેચ અલૂરમાં અને બે મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જે કોહલીની આઈપીએલ ટીમ આરસીબીનું હોમ ગ્રાઉન્ડ પણ છે.
રોહિત શર્મા પણ મેદાનમાં: વિરાટ કોહલી ઉપરાંત, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ આ ટુર્નામેન્ટમાં રમવાની પુષ્ટિ કરી છે. રોહિત શર્મા મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી મુંબઈની ટીમ માટે રમશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
