200 વર્ષની સૌથી મોટી વૈદિક સિદ્ધિ! મહારાષ્ટ્રના 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેએ 50 દિવસમાં 'દંડક્રમ' પઠન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો: PM મોદીએ પણ ગૌરવ વ્યક્ત કર્યું
શુક્લ યજુર્વેદના 2000 મંત્રોનું 'દંડક્રમ' દ્વારા ભૂલ વિનાનું પઠન કરનાર ઇતિહાસના ત્રીજા વ્યક્તિ; સન્માનમાં 5 લાખનો સોનાનું કડુ અને રોકડ પુરસ્કાર અપાયો

વારાણસી : મહારાષ્ટ્રના 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખે એ એક ઐતિહાસિક અને અસાધારણ વૈદિક સિદ્ધિ હાંસલ કરીને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. તેમણે શુક્લ યજુર્વેદના લગભગ 2000 મંત્રોનું "દંડક્રમ" નામની અત્યંત કઠિન પદ્ધતિથી 50 દિવસ સુધી સતત અને ભૂલ વિનાનું પઠન (પારાયણ) પૂર્ણ કર્યું છે.
વેદ પાઠનનું 'શિરોમણિ' અને ઇતિહાસ
વૈદિક વિદ્વાનોના મતે, જટિલ સ્વર-પદ્ધતિ અને ઉચ્ચારણ-શુદ્ધતા માટે "વેદ પાઠનનું શિરોમણિ" કહેવાતા દંડક્રમનું આ પઠન છેલ્લા 200 વર્ષોમાં પહેલીવાર આટલી શુદ્ધતાથી પૂર્ણ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં માત્ર ત્રણ વખત જ આ દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, અને દેવવ્રતે સૌથી ઓછા સમયમાં તેને પૂર્ણ કરી છે.
વારાણસીની પવિત્ર ભૂમિ પર આ વિશેષ સિદ્ધિ પૂર્ણ થતાં, રથયાત્રા ચોકથી લઈને મહમૂરગંજ સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 500 થી વધુ વૈદિક વિદ્યાર્થીઓ અને શંખધ્વનિ સાથે આખું શહેર એક ભવ્ય વૈદિક ઉત્સવમાં ફેરવાઈ ગયું હતું. આ ખાસ અવસરે દેવવ્રતને ₹5 લાખનો સોનાનો કડો અને ₹1,11,116 રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
PM મોદીએ શુભેચ્છા પાઠવી
દેવવ્રતની આ ઐતિહાસિક સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
PM મોદીએ લખ્યું: "19 વર્ષના દેવવ્રત મહેશ રેખે જીએ જે ઉપલબ્ધિ હાંસલ કરી છે, તે જાણીને મન પ્રફુલ્લિત થઈ ગયું છે. તેમની આ સફળતા આપણી આવનારી પેઢીઓ માટે પ્રેરણા બનવાની છે... કાશીથી સાંસદ તરીકે, મને આ વાતનું ગર્વ છે કે તેમની આ અદ્ભુત સાધના આ જ પવિત્ર ધરતી પર સંપન્ન થઈ. આ ઉપલબ્ધિ આપણી ગુરૂ પરંપરાનું સૌથી ઉત્તમ રૂપ છે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
