<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભાજપે સોનિયા ગાંધી નામની મહિલા ઉમેદવારને ટિકિટ આપી

કેરળની પંચાયત અને સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓ ૯ અને ૧૧ ડિસેમ્‍બરના રોજ બે તબક્કામાં યોજાશે, જેમાં રાજ્‍યભરમાં ૯૪૧ ગ્રામ પંચાયતો, ૧૫૨ બ્‍લોક પંચાયતો, ૧૪ જિલ્‍લા પંચાયતો, ૮૭ નગરપાલિકાઓ અને છ કોર્પોરેશનો આવરી લેવામાં આવશે

મુન્નાર તા.૩: કેરળમાં પણ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દરેક પક્ષો પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાતો કરી રહ્યા છે. આ બધા વચ્‍ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેમનું નામ સાંભળીને નાગરિકોની સાથે વિરોધી પક્ષના નેતાઓ પણ ચોંકી ગયા છે. બધાને ખબર છે કે સોનિયા ગાંધી શરૂઆતથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જોકે તેમના જેવુ જ નામ ધરાવતા એક ઉમેદવારને ભાજપે કેરળથી ચૂંટણીનું ટિકિટ આપ્‍યું છે. આ વાતે હવે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે. ભાજપે કેરળના મુન્નારથી પંચાયત ચૂંટણીમાં સોનિયા ગાંધી નામની મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે. અહેવાલો અનુસાર, ભાજપે સ્‍થાનિક પંચાયતના નલ્‍લાથન્ની વોર્ડ ૧૬ માટે સોનિયા ગાંધીને ઉમેદવાર બનાવ્‍યા છે. ભાજપના સોનિયા ગાંધી, જેમનું નામ ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્‍યસભા સાંસદ જેવુ જ છે, તેઓ નલ્‍લાથન્ની કલ્‍લારથી આવે છે અને તેમની અસામાન્‍ય રાજકીય સફર તેમના પ્રખ્‍યાત નામથી ખૂબ જ અલગ છે.

કોંગ્રેસના સમર્થક અને મજૂર સ્‍વર્ગસ્‍થ દુરે રાજના ઘરે જન્‍મેલી, ભાજપની સોનિયા ગાંધીએ તે સમયે કોંગ્રેસ પ્રમુખને શ્રદ્ધાંજાલિ રૂપે પોતાનું નામ આપ્‍યું હતું. પ્રશંસાથી ભરેલા તેમના પિતાએ તેમની પુત્રીનું નામ રાહુલ ગાંધીના માતા સોનિયા પર રાખીને પાર્ટી નેતાનું સન્‍માન આપવાનું પસંદ કર્યું. ઘણા વર્ષો સુધી ઇડુક્કીના પહાડી પ્રદેશમાં, આ ફક્‍ત એક રસપ્રદ સંયોગ હતો. લગ્ન પછી તેમનો રાજકીય માર્ગ બદલાયો. અહેવાલો અનુસાર, સોનિયાના પતિ સુભાષ ભાજપના પંચાયત મહાસચિવ તરીકે સેવા આપે છે અને અગાઉ ઓલ્‍ડ મુન્નાર મુલક્કડથી પેટાચૂંટણી લડી ચૂક્‍યા છે. ધીમે ધીમે, સોનિયાએ ભાજપ સાથે જોડાણ કર્યું, તેમના નામ સાથે સંકળાયેલા વારસાને બદલે સમકાલીન રાજકારણ અપનાવ્‍યું. જેમ જેમ તેઓ પોતાની પહેલી ચૂંટણીમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમ તેમ સ્‍વાભાવિક રીતે જ તેમના નામને લઈને લોકોમાં ચર્ચા તીવ્ર બની ગઈ છે. તેમનો સામનો કોંગ્રેસના ઉમેદવાર મંજુલા રમેશ અને સીપીઆઈ(એમ)ના ઉમેદવાર વલારમતી સાથે છે. વિડંબના એ છે કે મુન્નારમાં, કોંગ્રેસના એક અગ્રણી નેતાના નામથી ભાજપના ઉમેદવાર કોંગ્રેસના પ્રતિનિધિ સામે ચૂંટણી લડી રહ્યા છે.

કેરળની પંચાયત અને સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓ ૯ અને ૧૧ ડિસેમ્‍બરના રોજ બે તબક્કામાં યોજાશે, જેમાં રાજ્‍યભરમાં ૯૪૧ ગ્રામ પંચાયતો, ૧૫૨ બ્‍લોક પંચાયતો, ૧૪ જિલ્‍લા પંચાયતો, ૮૭ નગરપાલિકાઓ અને છ કોર્પોરેશનો આવરી લેવામાં આવશે. ભાજપના સોનિયા ગાંધી લેફટ ડેમોક્રેટિક ફ્રન્‍ટ (LDF), યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્‍ટ (UDF) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ (NDA) માં ૨૧,૦૦૦ થી વધુ વોર્ડ પદો માટે ચૂંટણી લડી રહેલા ૭૫,૦૦૦ થી વધુ ઉમેદવારોમાં સામેલ છે. રાજ્‍ય ચૂંટણી પંચ આ ચૂંટણીઓનું સંચાલન કરી રહ્યું છે, જેના પરિણામો ૧૩ ડિસેમ્‍બરે અપેક્ષિત છે. સોનિયા ગાંધીનું નામ ભાજપને ફાયદો કરાવશે કે મતદારોમાં મૂંઝવણ પેદા કરશે તે જોવાનું બાકી છે. જોકે, આ પંચાયત ચૂંટણીએ ચોક્કસપણે મુન્નારને એક યાદગાર વાર્તા આપી છે.

(9:54 AM IST)