News of Wednesday, 3rd December 2025
રોહિંગ્યા ઘૂસણખોરો મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું: TMC સાંસદે જજો પર સાધ્યું નિશાન, કહ્યું- ‘જજો TRP માટે બહુ બોલે છે’: ભાજપનો આકરો જવાબ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે કડક વલણ દાખવતા કેન્દ્ર સરકારને નોટિસ આપવાનો ઇનકાર કર્યો છે અને ટિપ્પણી કરી છે કે ઘૂસણખોરો માટે ‘રેડ કાર્પેટ’ ન બિછાવી શકાય. કોર્ટના આ વલણ સામે મમતા બેનર્જીની પાર્ટી TMC ના સાંસદ કલ્યાણ બેનરજીએ ન્યાયતંત્ર પર વિવાદિત ટિપ્પણી કરતા રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.
ઘટનાની વિગત એવી છે કે, પોલીસ કસ્ટડીમાંથી ૫ રોહિંગ્યા શરણાર્થીઓ ગુમ થવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ ની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવવાની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે અત્યંત કડક શબ્દોમાં કહ્યું હતું કે, "તમે જાણો છો કે આ લોકો ઘૂસણખોર છે. આપણી નોર્થ-ઈસ્ટની બોર્ડર ખૂબ જ સંવેદનશીલ છે. શું ઘૂસણખોરો માટે આપણે રેડ કાર્પેટ પાથરવી જોઈએ?"
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદ કલ્યાણ બેનરજીએ ન્યાયમૂર્તિઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. કલ્યાણ બેનરજીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે. પહેલા આપણા ભારતીય ન્યાયતંત્રમાં જજો ખૂબ ઓછું બોલતા હતા અને માત્ર પોતાના ચુકાદા મારફતે જ વાત રજૂ કરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, આજકાલ જજો ટીઆરપી વધારવા માટે વધુ બોલે છે અને સમયસર ચુકાદાઓ નથી આપતા. સુપ્રીમ કોર્ટના જજ સુર્યકાંતની ટિપ્પણી લૂઝ કોમેન્ટ હતી."
ટીએમસી સાંસદના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "કલ્યાણ બેનરજીની આ ટિપ્પણી ટીઆરપી માટે નહીં પરંતુ તેમની ‘વીઆરપી’ એટલે કે ‘વોટ બેંક રેટિંગ પોઈન્ટ’ માટે છે." ભાજપે યાદ અપાવ્યું કે કલ્યાણ બેનરજી એ જ વ્યક્તિ છે જેમણે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરીને તેમના પદની મજાક ઉડાવી હતી. ભાજપે આક્ષેપ કર્યો કે ટીએમસી હવે ઘૂસણખોરોનું ખુલ્લેઆમ સમર્થન કરી રહી છે અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કરી રહી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
