<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ગુજરાત હાઈકોર્ટનો મહત્‍વનો હુકમઃ વિશાલ મોદીની ધરપકડ કરતા પહેલા પોલીસ અધિકારીએ ૭ દિવસની નોટિસ આપવી પડશે

 

(મુકુંદ બદીયાણી દ્વારા)તા.૦૪: જામનગરઃ ગુજરાત હાઈકોર્ટનો મહત્‍વનો હુકમઃ વિશાલ મોદીની ધરપકડ કરતા પહેલા પોલીસ અધિકારીએ ૭ દિવસની નોટિસ આપવી પડશે. આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારને ૧૦ ડિસેમ્‍બરે મોબાઈલ ફોન સાથે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આદેશ કર્યોઃ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવા નિર્દેશ.

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલી એક ક્રિમિનલ પરચુરણ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદાર વિશાલ મહેન્‍દ્રભાઈ મોદીને મોટી રાહત આપી છે. જાસ્‍ટિસ ઉત્‍કર્ષ ઠાકોરભાઈ દેસાઈની કોર્ટે હુકમ કર્યો છે કે જો તપાસ અધિકારીને અરજદારની ધરપકડ કરવાની જરૂર જણાય તો તેમણે ધરપકડ કરતા પહેલા ૭ દિવસની નોટિસ આપવી પડશે. આ સાથે જ કોર્ટે તપાસ અધિકારીને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્‍થાપિત કાયદાકીય જોગવાઈઓનું ચુસ્‍તપણે પાલન કરવા નિર્દેશ આપ્‍યો છે.

આ કેસની વિગતો મુજબ, વિશાલ મહેન્‍દ્રભાઈ મોદી વિરુદ્ધ રાજ્‍ય સરકારના કેસમાં હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી (ક્રિમિનલ મિસેલેનિયસ એપ્‍લિકેશન નં. ૨૪૩૧૦/૨૦૨૫). આ કેસમાં અરજદાર તરફે સિનિયર એડવોકેટ એન.ડી. નાણાવટી અને એડવોકેટ રાહુલ આર. ધોળકિયાએ દલીલો કરી હતી, જ્‍યારે રાજ્‍ય સરકાર તરફે એડિશનલ પબ્‍લિક પ્રોસિક્‍યુટર તીર્થરાજ પંડ્‍યા હાજર રહ્યા હતા.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેમના અસીલ તપાસ એજન્‍સીને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે અને તપાસમાં જોડાશે. આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને હાઈકોર્ટે અરજદાર વિશાલ મોદીને તારીખ ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. કોર્ટે ખાસ નોંધ્‍યું છે કે અરજદારે તપાસ અધિકારી સમક્ષ હાજર થતી વખતે પોતાના મોબાઈલ ફોન સાથે રાખવાના રહેશે.

 

કોર્ટે એફઆઈઆરની વિગતોમાં ઊંડા ઉતર્યા વગર સુપ્રીમ કોર્ટના અર્નેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્‍ય (૨૦૧૪), સત્‍યેન્‍દ્ર કુમાર અંતીલ વિરુદ્ધ સીબીઆઈ (૨૦૨૨) અને મોહમ્‍મદ અશફાક આલમ વિરુદ્ધ ઝારખંડ રાજ્‍યના કેસમાં અપાયેલા ચુકાદાઓને ટાંકીને તપાસ અધિકારીને કાયદાકીય પ્રક્રિયા અનુસરવા તાકીદ કરી છે.

હુકમમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે જો તપાસ દરમિયાન અધિકારીને લાગે કે અરજદારની ધરપકડ કરવી જરૂરી છે, તો તેમણે સીધી ધરપકડ કરવાને બદલે અરજદારને ૭ દિવસની પૂર્વ નોટિસ આપવી પડશે. આ સમયગાળા દરમિયાન તપાસ અધિકારીએ કાયદા મુજબ આગળ વધવાનું રહેશે. આ આદેશ સાથે હાઈકોર્ટે હાલ પુરતી આ અરજીનો નિકાલ કર્યો છે

(11:42 AM IST)