<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

યુએસ એરફોર્સનું F-16 ફાઇટર જેટ કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક ક્રેશ :જમીન પર પટકાતા જ આગનો ગોળો બન્યું

વિમાન ક્રેશ થાય તે પહેલા પાયલોટ પોતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો

યુએસ એરફોર્સનું F-16 ફાઇટર જેટ બુધવારે કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું. આ ઘટના ડેથ વેલીની દક્ષિણમાં એક દૂરના રણ વિસ્તારમાં સ્થાનિક સમય અનુસાર બુધવાર 3 ડિસેમ્બરના રોજ સવારે લગભગ 10:45 વાગ્યે બની હતી. અમેરિકન વાયુ સેનાએ એક નિવેદનમાં આ લડાકુ વિમાનના ક્રેશ થવાની પુષ્ટિ કરી છે.

 

આ લડાકુ વિમાન જમીન સાથે ટકરાયા બાદ ફાટ્યું અને તરત જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. ઓનલાઇન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં લડાકુ વિમાન જમીન સાથે ટકરાયા બાદ આગનો ગોળો બનતું દેખાઈ રહ્યું છે. આ વિમાન ક્રેશ થાય તે પહેલા પાયલોટ પોતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો હતો. ઓનલાઇન ફૂટેજમાં પાયલોટને પેરાશૂટ વડે સુરક્ષિત રીતે બહાર નીકળતો અને વિમાનને જમીન પર પડતું જોઈ શકાય છે.

 

પાયલોટને હળવી ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફાયર અધિકારીઓએ જણાવ્યું કે ક્રૂએ તરત જ પ્રતિસાદ આપ્યો અને પાયલોટ એકલો જ હતો, જેની ઘટનાસ્થળે જ સારવાર કર્યા બાદ તેને લઈ જવામાં આવ્યો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તે દિવસે તાલીમ મિશન માટે છ થન્ડરબર્ડ જેટ નીકળ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર પાંચ જ પાછા ફર્યા હતા. શરૂઆતી અહેવાલો સૂચવે છે કે ક્રેશ થયેલી જગ્યાનો હવાઈ ક્ષેત્ર મિલિટરી એરક્રાફ્ટ દ્વારા ફ્લાઇટ ટ્રેનિંગ માટે વારંવાર ઉપયોગમાં લેવાય છે. ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આગથી આસપાસના વૃક્ષો કે વનસ્પતિને કોઈ ખતરો નથી. અમેરિકન વાયુ સેનાએ કહ્યું છે કે આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ દુર્ઘટના સ્થળથી દૂર રહે.

(1:16 PM IST)