News of Thursday, 4th December 2025
લાલુ પરિવારની મુશ્કેલી યથાવતઃ ‘લેન્ડ ફોર જોબ્સ' કૌભાંડમાં આરોપો ઘડવાનો નિર્ણય મુલતવી
બિહારના પૂર્વ મુખ્યમંત્રીઓ અને તેમના પુત્રો-પુત્રીઓ સહિત સમગ્ર પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપોઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBI પાસે અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ માંગ્યોઃ ૮ ડિસેમ્બરે આગામી સુનાવણી

પટણા, તા.૪: બિહારના રાજકારણમાં હલચલ મચાવનારા લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે આરોપો ઘડવાનો નિર્ણય દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુલતવી રાખ્યો છે. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી, હેમા યાદવ સહિત અનેક આરોપીઓ સામે ગુનાહિત કલમો હેઠળ આરોપો ઘડવાના હતા. જોકે, કોર્ટે હવે આ કેસની સુનાવણી ૮ ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.
કોર્ટે સુનાવણી મુલતવી રાખતા, કેન્દ્રીય તપાસ એજન્સીને આ મામલે એક અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મૂળ ચાર્જશીટમાં ૧૦૩ લોકો સામે આરોપો હતા, પરંતુ કાર્યવાહી દરમિયાન કેટલાક આરોપીઓના મળત્યુ થયા છે. આ જ કારણોસર, કોર્ટે સીબીઆઈને હાલના આરોપીઓની સ્થિતિની પુષ્ટિ કરવા અને અપડેટેડ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે, જેથી આરોપો ઘડવાની કાર્યવાહી આગળ વધારી શકાય. આ ઉપરાંત, રાબડી દેવીએ જજ વિશાલ ગગોનેને કેસમાંથી દૂર કરવાની માંગ કરતી જે અરજી કરી હતી, તેના પર ૬ ડિસેમ્બરે નિર્ણય આવવાની શકયતા છે.
આ કૌભાંડની શરૂઆત ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે થઈ હતી, જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. સીબીઆઈના આરોપો મુજબ, આ સમયગાળા દરમિયાન લોકો પાસેથી રેલ્વેના ગ્રુપ ડીની નોકરીઓ આપવાના બદલામાં, લાલુ યાદવના પરિવારના નામે જમીન હસ્તગત કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે મોટાભાગના જમીન વ્યવહારો રોકડમાં થયા હતા અને ભરતી પ્રક્રિયામાં મોટા પાયે અન્યાયીતા દાખવવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસમાં કલમ ૧૨૦B, ૪૨૦, ૪૬૮, ૪૬૭, ૪૭૧ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.
આ કૌભાંડનો પર્દાફાશ ૨૦૨૨ માં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવ્યો હતો. ED એ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે, કારણ કે નોકરીના બદલામાં મેળવેલી જમીન કાં તો નજીવી રકમમાં ખરીદવામાં આવી હતી અથવા દાન તરીકે -ાપ્ત કરવામાં આવી હતી. આ જમીન આખરે રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી અને અન્ય નજીકના સહયોગીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આખું કૌભાંડ લાલુ પ્રસાદ યાદવની સંપૂર્ણ જાણકારી અને સંડોવણીથી થયું હતું. હવે ૮ ડિસેમ્બરની સુનાવણી પર સૌની નજર ટકેલી છે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
