<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

આ તો કેવું? ખેડૂતોને ૧ કિલો કેળાના મળી રહ્યા છે માત્ર ૫૦ પૈસા અને ઓનલાઈન વેચાઈ રહ્યા છે ૮૬ રૂપિયા કિલો

ખેડૂતોએ લાખો રૂપિયા લગાવ્‍યા અને મહિનાઓ સુધી મહેનત કરી, પણ તેમને માત્ર દુઃખ જ મળ્‍યું

 

હૈદ્રાબાદ તા.૫: છેલ્‍લા કેટલાક દિવસોથી તમે સમાચાર વાંચ્‍યા જ હશે કે મધ્‍ય પ્રદેશમાં ખેડૂતો રસ્‍તા પર ડુંગળી ફેંકી રહ્યા છે. તેનું કારણ એ છે કે બજારમાં તેમને એક રૂપિયા કિલો ડુંગળી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે, એટલે કે તેમને ડુંગળીનો ભાવ ફક્‍ત ૧ રૂપિયા કિલો મળી રહ્યો છે. આ ભાવમાં તેમનો ખર્ચ તો દૂરની વાત છે, પણ હોલસેલ માર્કેટમાં ડુંગળી લઈને જવાનું ભાડું પણ નથી નીકળતું. એટલે તેઓ હોલસેલ માર્કેટમાં પાક વેચવાને બદલે વિરોધમાં ડુંગળી રસ્‍તા પર ફેંકી રહ્યા છે. એવા જ એક સમાચાર આંધ્ર પ્રદેશથી આવ્‍યા છે. ત્‍યાંના ખેડૂતોને કેળાં માત્ર ૫૦ પૈસા પ્રતિ કિલો વેચવા પડી રહ્યા છે. જ્‍યારે આ જ સમયે દિલ્‍હીમાં એમેઝોન ફ્રેશ ફ્રૂટ્‍સમાં કેળાં ૮૬ રૂપિયા કિલો વેચાઈ રહ્યાં છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી જગન મોહન રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ (પહેલાં ટ્‍વિટર) પર ખેડૂતોની દયનીય સ્‍થિતિ અંગે પોસ્‍ટ કરી છે. આ પોસ્‍ટમાં તેઓએ લખ્‍યું છે કે, ‘‘આંધ્ર પ્રદેશમાં કેળાંની ખેતી કરતા ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. એક કિલો કેળા માત્ર ૫૦ પૈસામાં વેચાઈ રહ્યા છે. જી હા, તમે બરાબર સાંભળ્‍યું  પચાસ પૈસા! આ કિમત માચીસની ડબ્‍બી કરતા પણ ઓછી છે અને એક બિસ્‍કીટ કરતાં પણ સસ્‍તી છે. ખેડૂતોએ લાખો રૂપિયા લગાવ્‍યા અને મહિનાઓ સુધી મહેનત કરી, પણ તેમને માત્ર દુઃખ જ મળ્‍યું.''

જગન મોહન રેડ્ડીએ વધુમાં લખ્‍યું છે કે, ‘‘આ માત્ર કેળાંની વાત નથી. ડુંગળીથી લઈને ટામેટાં સુધી કોઈ પણ પાકનો યોગ્‍ય ભાવ (ખેડૂતોને) નથી મળી રહ્યો. પ્રાકૃતિક આફતોના સમયે ન તો પાક વીમો મળ્‍યો, ન કોઈ મદદ મળી. જે વચનો આપવામાં આવ્‍યાં હતાં તે બધાં ખોટાં સાબિત થયાં.''

આ પોસ્‍ટમાં જ તેઓ લખે છે કે, ‘‘પહેલાંની સરકારના સમયમાં કેળાંનો સરેરાશ ભાવ ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ ટન (૨૫ રૂપિયા પ્રતિ કિલો) હતો. ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે દિલ્‍હી સુધી સ્‍પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવતી હતી. આ વ્‍યવસ્‍થાથી હજારો પરિવારો બચ્‍યા હતા. ખેડૂતોને મજબૂરીમાં ઓછા ભાવે પાક વેચવાથી બચાવવા સમગ્ર રાજ્‍યમાં કોલ્‍ડ સ્‍ટોરેજ પણ બનાવવામાં આવ્‍યાં હતાં. પણ આજે ચંદ્રબાબુ નાયડુએ ખેડૂતોને તેમના નસીબ પર છોડી દીધા છે. તેઓ ચૂપચાપ જોઈ રહ્યા છે કે ખેતી કેવી રીતે બરબાદ થઈ રહી છે. જો આજે ખાવાની વસ્‍તુની કિમત ૫૦ પૈસા હોય, તો તેને ઉગાડનાર હાથોની કિમત શું છે? આ પ્રશ્ન ખેડૂતોના મનમાં છે.''

આ સમાચાર લખતાં પહેલાં અમે દિલ્‍હીમાં કેળાંના ભાવ તપાસ્‍યા. ઈ-કોમર્સ સાઈટ એમેઝોનના ક્‍વિક કોમર્સ સેક્‍શનમાં કેળાંની કિમત તપાસી તો એક કિલો કેળાં ૮૬ રૂપિયામાં વેચાઈ રહ્યાં હતાં, એ પણ ૨૮% ડિસ્‍કાઉન્‍ટ પછી. કેળાંની અસલ કિમત તો ૧૨૦ રૂપિયા કિલો બતાવવામાં આવી રહી છે.(૩૮.૪)

(9:48 AM IST)