<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

૨.૧૦ કરોડનો ઇન્શ્યોરન્સ હડપવા પિતાએ સોપારી આપીને જુવાનજોધ દીકરાને મરાવી નાખ્યો

વીમો, લાલચ અને હત્યા!

સંભલ, તા.૫: ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (૨૯ વર્ષ)ની હત્યાનો પોલીસે ખુલાસો કર્યો છે. અનિકેતનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. પહેલા તો આ ઘટનાને રોડ અકસ્માત ગણવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઈજા થઈ હોવાની પુષ્ટિ થતાં જ આખો ખેલ પલટાઈ ગયો. પોલીસે આકરી પૂછપરછ કરતા પિતાએ જે ખુલાસો કર્યો તેનાથી પોલીસ અધિકારીઓના પણ હોશ ઊડી ગયા.

ખરેખર, અનિકેતના મોત બાદ પિતા બાબુરામ FIR નોંધાવવાને બદલે અનિકેતના મોતને દુર્ઘટના ગણાવવા પર ભાર આપી રહ્યા હતા. તેથી પોલીસને તેમના પર શંકા વધી ગઈ. આખરે જ્યારે ખબર પડી કે અનિકેતના નામે ૨ કરોડ રૂપિયાથી વધુની વીમા પોલિસી છે, ત્યારે પોલીસે પિતાને કસ્ટડીમાં લીધા.

પોલીસના જણાવ્યા અનુસાર, વીમાની મોટી રકમ હડપવા માટે પિતાએ જ પોતાના દીકરા અનિકેત શર્માની હત્યાની સોપારી આપી હતી. મુરાદાબાદ પોલીસે હત્યાકાંડનો ખુલાસો કરતા આરોપી પિતા બાબુરામની ધરપકડ કરી લીધી છે. સાથે જ હત્યામાં સામેલ ત્રણ અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. જોકે, આખા ષડયંત્રમાં સામેલ અમરોહાનો વકીલ હજુ પણ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અનિકેત બાબુરામની પહેલી પત્નીનો દીકરો હતો. ઘટના કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫-૧૬ નવેમ્બરની રાત્રે ઘટી હતી. પિતાએ આશરે ૨.૧૦ કરોડ રૂપિયાની વીમાની રકમ હડપવા માટે દીકરાની હત્યા કરાવી હતી. આ માટે બાબુરામે ૩.૫ લાખ રૂપિયાની સોપારી આપી હતી. બાબુરામે જણાવ્યું કે, નશાની લતના કારણે પોતાના દીકરાને મરાવી નાખ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા પહેલા અનિકેતના નામે ૨.૧૦ કરોડ રૂપિયાની વીમા પોલિસી લેવામાં આવી હતી. આરોપીએ જાણી જોઈને ૧.૦૫ કરોડની બે પોલિસી અને અકસ્માતમાં મોત પર ૨.૧૦ કરોડનો વીમો કરાવ્યો હતો. બાબુરામે આ મોટી રકમનો વીમો હોવાની વાત અનિકેતથી છુપાવી હતી. હત્યાને અંજામ આપતા પહેલા બાબુરામે માર્ચ ૨૦૨૪માં અનિકેતને ધમકી આપીને પોલિસી પર સહી કરાવી હતી.

આ મામલે મુરાદાબાદ પોલીસે પ્રેસનોટ જાહેર કરી જણાવ્યું હતું કે, કુંદરકી પોલીસ દ્વારા અનિકેત શર્મા હત્યા કેસનો ભેદ ઉકેલીને ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હત્યામાં વપરાયેલ લોખંડનો રોડ તેમજ મૃતકનો મોબાઈલ ફોન મળી આવ્યો છે.

(4:23 PM IST)