<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

રશિયાએ બનાવ્યો અનોખો ચિપસેટ! એનાથી જીવતાં કબૂતરોને ડ્રોનની જેમ વાપરી શકાશે

મેકેનિકલ ડ્રોનની જગ્યાએ જીવતાં-જાગતાં પંખીઓ પાસેથી કેટલાંક કામ કરાવવાનું ખુફિયા પ્રોજેકટ્સમાં ખૂબ જ ફાયદાકારક બની શકે છે

મોસ્કો, તા.૫: રશિયાની ન્યુરોટેકનૉલૉજી કંપની નેઇરી એક ખાસ ટેક્નિક પર કામ કરી રહી છે, જેમાં જીવતાં કબૂતરોને ડ્રોનની જેમ ઉડાડી શકશે. કબૂતરમાં ખાસ ચિપસેટ લગાવીને એના મગજને કન્ટ્રોલ કરીને એને રિમોટથી ઑપરેટ કરી શકાય એવી ટેકિનક ઑલમોસ્ટ તૈયાર થઈ ચૂકી છે. સંશોધકોએ આ પ્રોજેકટથી બાયોડ્રોન કબૂતર તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું જે અનેક રીતે કામ આવી શકે એવાં છે. કંપનીનો દાવો છે કે ચિપસેટને મગજમાં ઇમ્પ્લાન્ટ કરી દેવાથી આમ તો કોઈ પણ પંખી પર રિમોટ દ્વારા કન્ટ્રોલ મેળવી શકાય છે. પહેલેથી ટ્રેઇન્ડ પંખી અને બાયોડ્રોન પંખી વચ્ચેનો તફાવત એ છે કે બાયોડ્રોન પંખીને કોઈ તાલીમની જરૂર નથી હોતી. માત્ર સર્જરી કરીને ચિપસેટ નાખવાની હોય છે અને એ પછી પંખી તમારા નિયંત્રણમાં હોય છે. ચિપસેટ મગજના ચોક્કસ ભાગને ઉત્તેજિત કરે છે એને કારણે રિમોટ દ્વારા મળતા તમામ આદેશોનું એ પાલન કરે છે.

નેઇરી કંપનીએ બાયોડ્રોન પંખી માટે કબૂતરોની પસંદગી એટલા માટે કરી છે કેમ કે મેકૅનિકલ ડ્રોનની તુલનામાં એ ફાયદાકારક છે. એ વધુ સમય અને લાંબી રેન્જમાં ઊડી શકે છે. વળી પંખી પોતાની સામાન્ય જીવનશૈલી જીવવાનું ચાલુ રાખી શકે છે. કબૂતર એવું પંખી છે જે શહેરી વિસ્તારોમાં પડતી અડચણોને નેવિગેટ કરવામાં કુદરતી રીતે જ માહેર હોય છે. ડ્રોન ક્યાંક જતું હોય તો એ શંકાનું કારણ બની શકે છે, પણ પંખી પર શંકા જવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે

(4:37 PM IST)