News of Friday, 5th December 2025
પુતિનની ભારત મુલાકાત સમયે જ ચીનની ચાલબાજી: હિંદ મહાસાગરમાં ૪ ચીની જહાજો સક્રિય, જાસૂસીની આશંકા

મુંબઈ: જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે, ત્યારે ચીને હિંદ મહાસાગરમાં પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. છેલ્લા બે અઠવાડિયાથી ચીનના ૪ જહાજો ભારતીય જળસીમાની નજીક શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે અને હવે પાંચમું જહાજ પણ રવાના થયું છે.
ચીન ફરી એકવાર "સંશોધન" ના નામે ભારતની જાસૂસી કરી રહ્યું હોય તેવા પુરાવા સામે આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનની હાઈ-પ્રોફાઈલ ભારત મુલાકાત ચાલી રહી છે તે જ સમયે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના રિસર્ચ વેસલ્સ (સંશોધન જહાજો) નો જમાવડો ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ૧૫ દિવસથી ભારતીય કોસ્ટલ લાઈનની આસપાસ ૪ ચીની જહાજો સતત મંડરાઈ રહ્યા છે.
સેટેલાઇટ ડેટા અને મેરીટાઇમ ટ્રેકિંગ મુજબ, આ જહાજોના નામ 'લાન હાઈ ૨૦૧', 'શેન હાઈ યી હાઓ', 'શી યાન ૬', 'શી યાન ૮' અને નવું ઉમેરાયેલું 'શી યાન ૧૧' છે. સત્તાવાર રીતે ચીન દાવો કરી રહ્યું છે કે આ જહાજો 'એક્વાકલ્ચર રિસર્ચ' (મત્સ્ય ઉદ્યોગ સંશોધન) અને સમુદ્રી સર્વેક્ષણ માટે છે. પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ જહાજો અત્યાધુનિક સર્વેલન્સ સાધનોથી સજ્જ છે અને તે ભારતીય નૌકાદળના રૂટ, સબમરીનની ગતિવિધિઓ અને દરિયાઈ સપાટીના ડેટા એકઠા કરી રહ્યા હોઈ શકે છે.
વિશેષ કરીને 'શી યાન' સિરીઝના જહાજો ભૂતકાળમાં પણ જાસૂસી ગતિવિધિઓ માટે ચર્ચામાં રહ્યા છે. ભારતીય નૌકાદળ આ તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પુતિનની મુલાકાત સમયે જ આ જહાજોની હાજરી એ માત્ર સંયોગ નથી, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાને ચકાસવાનો ચીનનો એક વ્યૂહાત્મક પ્રયાસ હોવાનું મનાય છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
