<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મોદી-પુતિનની મિત્રતા જોઈ ચીન પણ ચકાચૌંધ: અમેરિકા અને પશ્ચિમી દેશોના ભારે દબાણ છતાં ભારતના રશિયા સાથેના સંબંધોને ગણાવ્યા અતૂટ અને 'ધ્રુવ તારા' સમાન

અમેરિકા ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા દબાણ કરી રહ્યું છે. તેમ છતાં, ભારત અને રશિયા વચ્ચેની એનર્જી પાર્ટનરશિપ (ઉર્જા ભાગીદારી) એટલી ઊંડી છે કે તેને તોડવી આસાન નથી

બૈજિંગ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પર ચીનની મીડિયા અને નિષ્ણાતો બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ચીની મીડિયાએ સ્વીકાર્યું છે કે અમેરિકા અને પશ્ચિમી દેશોના ભારે દબાણ છતાં ભારત અને રશિયાની મિત્રતા મજબૂત છે. વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંબંધોને આકાશમાં અડગ રહેતા 'ધ્રુવ તારા' સાથે સરખાવ્યા છે, જે ચીનની ચિંતામાં વધારો કરે છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને પાડોશી દેશ ચીન આ મુલાકાતનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહ્યું છે. ચીનની ફૂદાન યુનિવર્સિટીના સાઉથ એશિયા એક્સપર્ટ લિન મિનવાંગે આ મુલાકાતને 'સિમ્બોલિક' એટલે કે પ્રતીકાત્મક ગણાવી છે, પરંતુ સાથે જ એવું પણ નોંધ્યું છે કે રશિયા લાંબા સમયથી ભારતની વિદેશ નીતિમાં 'સ્ટ્રેટેજિક સેફ્ટી નેટ' (વ્યૂહાત્મક સુરક્ષા કવચ) તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે.
ચીની મીડિયાનું માનવું છે કે અત્યારે દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે અને અમેરિકા ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા દબાણ કરી રહ્યું છે. તેમ છતાં, ભારત અને રશિયા વચ્ચેની એનર્જી પાર્ટનરશિપ (ઉર્જા ભાગીદારી) એટલી ઊંડી છે કે તેને તોડવી આસાન નથી. 
ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ, ભારતની ઉર્જા જરૂરિયાતો વિશાળ છે અને તે રશિયા સાથેના પુરવઠાને 'નોન-નેગોશીએબલ' (બાંધછોડ ન થઈ શકે તેવા) ગણે છે
ગ્લોબલ ટાઈમ્સે પણ નિષ્ણાતોને ટાંકીને કહ્યું છે કે પશ્ચિમી દેશોનું દબાણ ભારત કે રશિયા પર અસર કરશે નહીં.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સંબંધોની મજબૂતીનું વર્ણન કરતા કહ્યું હતું કે છેલ્લા ૮૦ વર્ષમાં દુનિયામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, સંઘર્ષો થયા, પરંતુ ભારત અને રશિયાની મિત્રતા કાયમ એકસરખી ચમકતી રહી છે. તેમણે આ સંબંધોને 'ધ્રુવ તારા'ની ઉપમા આપી હતી, જે રાતના અંધકારમાં પણ પોતાની જગ્યા બદલતો નથી અને અડગ રહે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર મક્કમ છે.

(7:11 PM IST)