News of Friday, 5th December 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં મોટો વળાંક: દિલ્હી પોલીસે કર્ણાટકના DyCM ડી.કે. શિવકુમારને નોટિસ ફટકારી!
EOW દ્વારા ડી.કે.શિવકુમાર પાસેથી નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ વિગતોની માંગણી : કોંગ્રેસનો આરોપ - 'ભાજપ સાથે જોડાણ ન કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.'

નવી દિલ્હી: કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી (DyCM) ડી.કે. શિવકુમારને નોટિસ ફટકારીને રાજકીય ગરમાવો વધાર્યો છે. EOW એ ૨૯ નવેમ્બરના રોજ જારી કરેલી નોટિસમાં શિવકુમારને ૧૯ ડિસેમ્બર સુધીમાં હાજર થવા અથવા કેસ સંબંધિત તેમની નાણાકીય અને વ્યવહારની વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. EOW માને છે કે શિવકુમાર પાસે આ કેસ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી છે, ખાસ કરીને યંગ ઇન્ડિયનને ટ્રાન્સફર કરાયેલા ભંડોળ અંગે
EOW દ્વારા માંગવામાં આવેલી વિગતોમાં શિવકુમારના બેંક ટ્રાન્સફરનો હેતુ, આ ભંડોળનો સ્રોત, તેમની અને યંગ ઇન્ડિયન અથવા AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના અધિકારીઓ વચ્ચેની કોઈપણ વાતચીતની વિગતો, અને ભંડોળના ઉપયોગની જાણકારીનો સમાવેશ થાય છે. વધુમાં, EOW એ તેમના આવકવેરા રેકોર્ડ, નાણાકીય નિવેદનો અને દાન પ્રમાણપત્રોની પણ વિનંતી કરી છે. આ કેસ મૂળરૂપે ૨૦૧૩ માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપ છે કે યંગ ઇન્ડિયન (જેમાં સોનિયા અને રાહુલ ગાંધી ૭૬% હિસ્સો ધરાવે છે) એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની ₹૯૮૮ કરોડથી વધુની સંપત્તિ ₹૫૦ લાખ માં ખરીદી હતી.
આ નોટિસ બાદ, કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાનના નજીકના સૂત્રોએ આક્ષેપ કર્યો છે કે શિવકુમારને ભાજપ સાથે જોડાણ ન કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું કે શિવકુમાર કોંગ્રેસના એવા મુખ્ય નેતાઓમાંના એક છે જેઓ સરકારના 'હુમલાઓ'નો સામનો કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમને તોડવામાં સફળ થશે નહીં. EOW દ્વારા આર્થિક વ્યવહારોની માંગણી ભારતીય રાજકારણમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગના આક્ષેપોને ફરી એકવાર સપાટી પર લાવી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
