<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૦ વર્ષ પછી માણસામાં બાળપણના ૮૯ વર્ષના વયોવૃધ્ધ શિક્ષક જીવણભાઈ પટેલને મળીને ભાવુક થયા: જૂની યાદો તાજી કરી: ગુરુના ચરણસ્પર્શ કર્યા

ભીડમાં ઉભેલી એક માતાના ખોળામાં રહેલા બાળકને તેમણે વહાલ કર્યું હતું અને તે મહિલાને કહ્યું હતું કે, "આ દીકરીને ખૂબ ભણાવજો"

ગાંધીનગર: પાટનગરમાં વિકાસ કામોના લોકાર્પણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અચાનક પોતાના ૮૯ વર્ષીય શિક્ષક જીવણભાઈ પટેલની મુલાકાત લીધી હતી. ગુરુના ઘરે પહોંચીને તેમણે પગરખાં બહાર કાઢી, ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા અને ૩૦ મિનિટ સુધી જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.
અમિતભાઈ મંગળવારે પોતાના વતન માણસાની મુલાકાતે હતા. અહીં તેમણે રૂપિયા ૬૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે, આ વ્યસ્ત સમયપત્રક અને સરકારી કાર્યક્રમો વચ્ચે તેમણે અચાનક પોતાના પ્રાથમિક શાળાના શિક્ષકની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. તેઓ કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના સીધા જ માણસાના ગાયત્રી નગરમાં રહેતા તેમના ગુરુ જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલ (જે.ડી. પટેલ) ના ઘરે પહોંચ્યા હતા.

દેશના ગૃહમંત્રી હોવા છતાં, અમિતભાઈએ એક આદર્શ વિદ્યાર્થી તરીકેની નમ્રતા દાખવી હતી. શિક્ષકના ઘરની બહાર જ તેમણે પોતાના પગરખાં ઉતાર્યા હતા અને અંદર પ્રવેશીને તરત જ ૮૯ વર્ષીય ગુરુ જીવણભાઈના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. લગભગ ૨૦ વર્ષના લાંબા સમયગાળા બાદ પોતાના વિદ્યાર્થીને પ્રત્યક્ષ જોઈને વૃદ્ધ શિક્ષક જીવણભાઈ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ વહી ગયા હતા.
ગૃહમંત્રીએ ગુરુ અને તેમના પરિવાર સાથે લગભગ ૩૦ મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. જીવણભાઈએ અમિતભાઈ શાહને ધોરણ ૧ થી ૭ સુધી અભ્યાસ કરાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન અમિતભાઈએ બાળપણના દિવસો યાદ કર્યા હતા. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જીવણભાઈ તે સમયે એનસીસીના ઇન્સ્ટ્રક્ટર પણ હતા અને ખૂબ જ કડક શિસ્તના આગ્રહી હતા. વહેલી સવારે પરેડ કરાવવી અને વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ કરવાના કિસ્સાઓ યાદ કરીને વાતાવરણ હળવું બન્યું હતું. જીવણભાઈના પુત્ર ડો. નીલમ પટેલે જણાવ્યું હતું કે પિતા ઘણા વર્ષો પછી અમિતભાઈને જોઈને ગદગદિત થઈ ગયા હતા.
શિક્ષક જીવણભાઈએ જૂની યાદો તાજી કરતા કહ્યું હતું કે, તે જમાનામાં શિક્ષકો પગારની કે પૈસાની અપેક્ષા રાખ્યા વગર માત્ર બાળકોના સાચા ઘડતર અને તેમને બુદ્ધિશાળી તથા સક્ષમ નાગરિક બનાવવા માટે જ કામ કરતા હતા. અમિતભાઈએ પણ તેમના ગુરુને માણસા અને મલાવ તળાવ ખાતે થયેલા વિકાસ કાર્યો જોવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
અમિતભાઈની આ અણધારી મુલાકાતને કારણે ગાયત્રી નગરના સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષકના ઘરેથી વિદાય લેતી વખતે અમિતભાઈએ બહાર એકત્ર થયેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભીડમાં ઉભેલી એક માતાના ખોળામાં રહેલા બાળકને તેમણે વહાલ કર્યું હતું અને તે મહિલાને કહ્યું હતું કે, "આ દીકરીને ખૂબ ભણાવજો"

(10:54 PM IST)