News of Friday, 5th December 2025
બે દિવસીય ઐતિહાસિક ભારત યાત્રા પૂર્ણ કરી પુતિન રશિયા રવાના: નરેન્દ્રભાઈ સાથે ૨૪ કલાકમાં ૪ મુલાકાત અને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરના વેપારનો સંકલ્પ
બંને દેશોએ વેપાર, ઉર્જા અને કનેક્ટિવિટી વધારવા માટે કુલ ૧૯ જેટલા કરારો પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની બે દિવસીય ભારત મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરીને મોસ્કો પરત ફર્યા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદની અને છેલ્લા ચાર વર્ષમાં તેમની આ પ્રથમ ભારત યાત્રા હતી, જે વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહી હતી. નવી દિલ્હીથી રવાના થતા પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ૪ વખત મુલાકાત કરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે. આ યાત્રામાં કોઈ મોટા સંરક્ષણ સોદાને બદલે આર્થિક સંબંધો, વેપાર અને ઉર્જા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને ૧૦૦ અબજ ડોલરના વેપારના લક્ષ્યાંક સાથે બંને દેશોની મિત્રતા વધુ ગાઢ બની છે.
૧૦૦ અબજ ડોલરના વેપારનું નવું લક્ષ્ય: રશિયા પરત ફરતા પહેલા થયેલી બેઠકોમાં બંને દેશોએ આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૬૦ અબજ ડોલરને પાર કરી ગયો છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. હવે બંને પક્ષોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં આ આંકડાને ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર વ્યક્ત કર્યો છે. વેપારને વધુ સરળ બનાવવા માટે રાષ્ટ્રીય ચલણ (રૂપિયા અને રૂબલ) માં સેટલમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા પર સમજૂતી સધાઈ છે.
સંરક્ષણ ડીલ નહીં, પણ ૧૯ મહત્વના કરારો: પુતિનની આ યાત્રા દરમિયાન ફાઈટર જેટ્સ જેવી કોઈ મોટી સંરક્ષણ સમજૂતીની જાહેરાત કરવામાં આવી નથી. તેના બદલે, બંને દેશોએ વેપાર, ઉર્જા અને કનેક્ટિવિટી વધારવા માટે કુલ ૧૯ જેટલા કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ), ધ્રુવીય જળમાર્ગોમાં ભારતીય ખલાસીઓને તાલીમ અને નવા શિપિંગ રૂટમાં રોકાણ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ઉર્જા સુરક્ષા અને પરમાણુ પ્લાન્ટ: પુતિને ભારતની ઉર્જા સુરક્ષા માટે રશિયાની કટિબદ્ધતા દોહરાવતા ખાતરી આપી હતી કે, પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા ભારતને તેલ, ગેસ અને કોલસાનો પુરવઠો અવિરતપણે પૂરો પાડશે. આ ઉપરાંત, રશિયા અને ભારત સંયુક્ત રીતે ભારતમાં સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યા છે, જે ભવિષ્યની ઉર્જા જરૂરિયાતો માટે મહત્વનું પગલું છે.
વિઝા અને અન્ય સુવિધાઓ: બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ક વધારવા માટે, ભારતે રશિયન નાગરિકો માટે ૩૦ દિવસના ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા અને ૩૦ દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, રશિયાએ ભારતમાં બે નવા વ્યાપાર કોન્સ્યુલેટ ખોલ્યા છે.
'ધ્રુવ તારા' જેવી મિત્રતા: વડાપ્રધાન મોદીએ રશિયા સાથેની મિત્રતાને 'ધ્રુવ તારા' જેવી સ્થિર અને અટલ ગણાવી હતી. પોતાની યાત્રા દરમિયાન પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ મોસ્કો જવા રવાના થયા હતા
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
