<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વહારે: મુસાફરોની ભીડ ઘટાડવા ૩૭ ટ્રેનોમાં ૧૧૬ એક્સ્ટ્રા કોચ જોડાયા, દિલ્હી, મુંબઈ અને ગોરખપુર જેવા વ્યસ્ત રૂટ પર ૪ સ્પેશિયલ ટ્રેનો દોડશે: રેલ્વેએ મોરચો સંભાળી લીધો

નવી દિલ્હી: દેશમાં ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટો રદ થવાના કારણે સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે ભારતીય રેલવેએ મોરચો સંભાળી લીધો છે. મુસાફરોને રાહત આપવા માટે રેલવેએ તાત્કાલિક અસરથી ૩૭ ટ્રેનોમાં ૧૧૬ વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે, જે ૧૧૪થી વધુ વધારાના ફેરા કરશે. આ ઉપરાંત, દિલ્હી, મુંબઈ અને ગોરખપુર જેવા વ્યસ્ત રૂટ પર ૪ વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે જેથી મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે.

ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોટાપાયે ઉડાન રદ કરવામાં આવતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિમાં મુસાફરોની સુવિધા માટે અને ટિકિટની માંગને પહોંચી વળવા ભારતીય રેલવે એક્શન મોડમાં આવી છે. રેલવે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, દેશભરની કુલ ૩૭ ટ્રેનોમાં ૧૧૬ વધારાના કોચ જોડવામાં આવ્યા છે. આ વધારાના કોચ દ્વારા કુલ ૧૧૪થી વધુ એક્સ્ટ્રા ટ્રિપ લગાવવામાં આવશે, જેનાથી હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.

દક્ષિણ રેલવેએ આ કામગીરીમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. દક્ષિણ રેલવેએ ૧૮ ટ્રેનોમાં યાંત્રિકોની કેપેસિટી વધારી દીધી છે અને સૌથી વધુ વધારાના કોચ જોડ્યા છે. વધુ ડિમાન્ડ ધરાવતા રૂટ પર એક્સ્ટ્રા ચેરકાર અને સ્લીપર કોચ લગાવવામાં આવ્યા છે, જે આજે  ૬ ડિસેમ્બર, ૨૦૨૫થી લાગુ થઈ ગયા છે. બીજી તરફ, ઉત્તર રેલવેએ પણ ૮ ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડ્યા છે, જેમાં થર્ડ એસી અને ચેરકારનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેએ પણ ચારથી વધુ ડિમાન્ડ વાળી ટ્રેનોમાં સેકન્ડ અને થર્ડ એસી કોચ જોડીને સુવિધા વધારી છે.

વધારાના કોચ ઉપરાંત, રેલવેએ મુસાફરોની રાહ આસાન કરવા માટે ૪ સ્પેશિયલ ટ્રેન સર્વિસ પણ શરૂ કરી છે. જેમાં નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે:

૧. ગોરખપુર - આનંદ વિહાર ટર્મિનલ સ્પેશિયલ (૦૫૫૯૧/૦૫૫૯૨): આ ટ્રેન ૭ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૪ ટ્રિપ મારશે.

૨. નવી દિલ્હી - શહીદ કેપ્ટન તુષાર મહાજન - નવી દિલ્હી રિઝર્વડ વંદે ભારત સ્પેશિયલ (૦૨૪૩૯/૦૨૪૪૦): આ ટ્રેન ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ દોડશે.

૩. નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી રિઝર્વડ સુપરફાસ્ટ સ્પેશિયલ (૦૪૦૦૨/૦૪૦૦૧): પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત આ ટ્રેન ૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચલાવવામાં આવશે.

૪. હઝરત નિઝામુદ્દીન - તિરુવનંતપુરમ સેન્ટ્રલ રિઝર્વડ સુપરફાસ્ટ સ્પેશિયલ (૦૪૦૮૦): આ ટ્રેન ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વન-વે દોડશે.

(9:28 AM IST)