હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટી ઓડિટમાં ‘‘ઓલ ઈઝ વેલ'' કરવા ૨ લાખ સુધીનું બેરોકટોક ઉઘરાણું
SGSTમાં ૨૫ હજાર અને સેન્ટ્રલમાં એક લાખ સુધી ગેરકાયદે વસૂલાત : ઓડિટ કરતી વખતે વેપારીઓને ગભરાવી મિનિટમાં ખેલ પાડી દેવાય છે

મુંબઈ,તા.૦૬: જીએસટી ઓડીટ કરતી વખતે વેપારીએ રિટર્નમાં દર્શાવેલી વિગતો પ્રમાણે જ ચોપડા, સ્ટોક છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે. તેમાં કોઈ શંકાસ્પદ જાણકારી બહાર આવે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમજ ટેક્સ ચોરી કરાયેલી રકમ, વ્યાજ અને દંડની વસુલાત કરવાનો નિયમ છે. પરંતુ કેટલાક ફુટેલી કારતુસ જેવા અધિકારી અને કર્મચારીઓ જીએસટી ઓડીટમાં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના બધું સમુસુતરુ હોવાનુ જણાવવા માટે રીતસરના ઉઘરાણાં શરુ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે વેપારીઓ આ મુદે કઈ પણ બોલવા તૈયાર નથી. કારણ કે વેપારી દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવે તો જીએસટીના અધિકારી અને કર્મચારી તેને ઈન્સપેકટર રાજનો ચોક્કસ અનુભવ કરાવી દેતા હોય છે.
જીએસટી કાઉન્સીલ દ્વારા વેપારીઓને તકલીફ નહીં પડે તે માટે દર થોડા સમયે ફેરફાર કરીને સરળ કાયદો કરવાના પ્રયાસ કરતી હોય છે. પરંતુ જીએસટી વિભાગમાં ખાઈ બદેલા કેટલાક અધિકારી અને કર્મચારીઓ જીએસટી કાઉન્સીલના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે. કારણ કે પહેલા જીએસટી નંબર આપવા, રીફંડ આપવા માટે સારી એવી રકમ મતી હતી. પરંતુ તે કમાણી બંધ થવાની સાથે જ હવે જીએસટી ઓડીટના નામે વેપારીઓને રંજાડવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી રહી છે. તેમાં વેપારીને ત્યાં જીએસટી ઓડીટ કરવા માટે સ્ટેટ જીએસટીના કેટલાક તત્વો ૨૫ હજાર જ્યારે સેન્ટ્રલ જીએસટીમાં આ રકમ એક લાખ સુધી વસુલ કરવામાં આવી રહ્યા હોવાનુ કહેવાય છે. તેમાં વેપારી આપવા માટે આનાકાની કરે તો તેના બેંક ખાતા સીઝ કરી દેવા, જીએસટી ચોરી કરવા બદલ જેલની સજા કરવાની વાતો કરીને નાણા આપવા માટે મજબુર કરી દેવામાં આવતો હોવાની વેપારીઓ જ કહી રહ્યા છે. જોકે તે અંગેની લેખિતમાં કે મૌખિક ફરીયાદ કરવા માટે તૈયાર નથી. તે માટે એવું કારણ આપી રહ્યા છે કે જો અમે ફરીયાદ કરીએ તો જીએસટીના આવા અધિકારી અને કર્મચારીઓ સાથે જોડાયેલા અન્ય લોકો અમને પરેશાન કરવામાં કોઈ કચાશ બાકી રાખશે નહીં. જેથી હાલ તો તેઓ તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપની જેમ જીએસટી અધિકારી અને કર્મચારીઓની હામાં હા મિલાવીને સમગ્ર ખેલને તાબે થઈ રહ્યા હોવાની હકીકતો જાણવા મળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
