<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

લગ્નની સિઝન દોઢ મહિના સુધી થંભી જશે શુક્રના ઉદય સાથે ૪ ફેબ્રુઆરીથી નવા મુહૂર્ત

ગુરુ-શુક્ર બંને અસ્‍ત હોવાથી, જાન્‍યુઆરીમાં મકર સંક્રાંતિ પૂર્ણ થવા છતાંય તમામ શુભ કાર્ય સંપૂર્ણ વર્જિત રહેતા મુરતીયાઓ અટવાયા

મુંબઈ,તા.૦૬: દેવઉઠની એકાદશી બાદ શરૂ થયેલ લગ્નસરાની સિઝન હવે ડિસેમ્‍બરના શરૂઆતના થોડા દિવસોમાં જ થંભવા જઈ રહી છે. પંચાંગ મુજબ વર્ષ ૨૦૨૫ના અંતિમ લગ્ન મુહૂર્તો ૧.૪ અને ૫ ડિસેમ્‍બર સુધીના જ હતા. હવે આગળ લગભગ દોઢ મહિના સુધી લગ્ન સહિતના તમામ શુભકાર્યોથી વિરામ રહેશે. જ્‍યોતિથી ગોવિદજીએ જણાવ્‍યું કે, ૧૧ ડિસેમ્‍બરથી શુક તારો અસ્‍ત થઈ રહ્યો છે, જ્‍યારે ૧૫ ડિસેમ્‍બરે સૂર્યના

ધનુ રાશિમાં પ્રવેશ સાથે ધનુર્માસ શરૂ થશે. ગુરુ અને શુક્ર બંન્ને ગૃહ માંગલિક કાર્યોના મુખ્‍ય કારક ગણાતા હોવાથી તેમની અસ્‍ત સ્‍થિતિમાં કોઈ પણ શુભવિધિ કરવી વર્જિત માનવામાં આવે છે. આ કારણે સમગ્ર જાન્‍યુઆરી મહિના દરમિયાન લગ્ન, ગુહપ્રવેશ, નામકરણ સહિત તમામ માંગલિક કાર્ય રોકાઈ જશે. ત્‍યારે શુકનો ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઉદય થશે અને લગ્નના યોગ્‍ય મુહૂર્તો ૪ ફેબ્રુઆરીથી માન્‍ય ગણાશે. ફેબ્રુઆરી મહિનાના અંતથી ૨ માર્ચ સુધી ચાલનાર હોળાષ્ટક દરમિયાન પણ લગ્ન કરવાનું ટાળવામાં આવે છે. પણ વસંત પંચમી જેવા અભૂજ મુહૂર્તે કેટલાક લોકો લગ્ન કરતા હોય છે, પરંતુ જાન્‍યુઆરી દરમિયાન શુક્ર અસ્‍ત હોવાથી આ સમય પણ પૂરેપુરો અનુકૂળ માનવામાં આવતો નથી. ઉપરાંત પંચાંગ મુજબ દ્વિ જેઠનો વધુ માસ ૨ મે થી ૨૯ જૂન સુધી રહેશે, જેના કારણે આ અવિવધ દરમિયાન પણ અનેક માંગલિક કાર્ય પર પ્રતિબંધ રહેશે.(૪૦.૧૪)

શુભગ્રહોમાં શુભ આયોજનો કરવા મંગલમય રહેશે

જ્‍યોતિ ગોવિદ મુંદડાજીએ જણાવ્‍યું કે, એકંદરે જોવામાં આવે તો ડિસેમ્‍બર પછી લગ્નની શરણાઇઓ ફરીથી ફેબ્રુઆરી ૨૦૨૬માં જ ગુંજી ઉઠશે. ગ્રહોની બદલાતી ચાલ, શુક્ર અસ્‍ત, ગુરુ ઉદય અને ધનુર્માસના સંયોગથી આ વર્ષે માંગલિક કાર્યોમાં લાંબો વિરામ આવશે. લગ્નની તૈયારી કરતા પરિવારોએ શુભ કાર્ય ફેબ્રુઆરી ૨૦૨૬ બાદ જ આયોજન કરવાથી શુભ ગ્રહોની અનુકુળતા જીવનમાં ચિરમંગલમયતા પ્રસ્‍થાપિત કરી શકે.

વિદેશથી આવતા લોકોના સગવડિયા મુહૂર્તે લગ્ન

હવેથી શુભ લગ્ન મુહૂર્તો ફેબ્રુઆરીથી શરૂ થવાના છે, પરંતુ વિદેશથી આવતા પરિવારો માટે સમયનું બંધન મોટું બને છે. ઘણા પરિવારજનો પોતાની સગવડ મુજબ તારીખ નક્કી કરી કમુરતામાં પણ લગ્ન કરવાનો વિકલ્‍પ પસંદ કરે છે. પરંપરાગત માન્‍યતાઓમાં મુહૂર્તનું ખાસ મહત્‍વ હોવા છતાં, પ્રેક્‍ટિકલ જીવનશૈલીને ધ્‍યાનમાં રાખીને લોકો પોતાના સુલભસમયમાં વિધિ પૂર્ણ કરી રહ્યા છે. જોકે,યોગ્‍ય સંકલ્‍પ અને શુભ કાર્યનીભાવના હોય તો કમુરતામાં કરાયેલા લગ્ન પણ સમૃદ્ધિ આપે છે.

૨૦૨૬ના વર્ષમાં લગ્નના માત્ર ૫૯ શુભ મુહૂર્તો

ફેબ્રુઆરી  ૧૨ મુહર્તો

માર્ચ    ૯ મુહર્તો

એપ્રિલ  ૮ મુહર્તો

મે       ૮ મુહર્તો

જૂન     ૭ મુહર્તો

જુલાઈ  ૪ મુહર્તો

નવેમ્‍બર ૪ મુહર્તો

ડિસેમ્‍બર       ૭ મુહર્તો

(10:08 AM IST)