<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

કસ્‍ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે ૯૫ આરોપીના પોલીસ કસ્‍ટડીમાં મૃત્‍યુ

નેશનલ હ્યુમન રાઇટ્‍સ કમિશને સરકારની નીતિને ઉઘાડી પાડી : સુપ્રિમના આદેશ છતાંય પોલીસ સ્‍ટેશનમાં સીસીટીવી બંધ અવસ્‍થામાં, આરોપીઓ સાથે ત્રાસ- યાતના ગુજારાય છે

નવી દિલ્‍હી,તા.૦૬: તાજેતરમાં સુરેન્‍દ્રનગર માં એક કસ્‍ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્‍ચે નેશનલ હ્યુમન રાઈટ્‍સ કમિશન (એનએચ આરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્‍લંઘન થઈ રહ્યુ

છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે. આખાય દેશમાં કસ્‍ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્‍લાં છ વર્ષમાં પોલીસ કસ્‍ટડીમાં જ ૯પ આરોપીના મૃત્‍યુ થયાં છે. જે ચિતા ઉપજાવે તેમ છે.

ગુજરાતમાં પોલીસ કસ્‍ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન, ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિતાજનક સ્‍થિતી સર્જાઇ છે. પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્‍ટડીમાં આરોપીઓનાં મોત થઈ રહ્યાં છે વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૨૦માં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્‍લંઘન રોકવા માટે પોલીસ સ્‍ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્‍સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા સહિત રેકોડીંગ સાધનો સ્‍થાપિત કરવાનો આદેશ આપ્‍યો હતો પરંતુ તેનો સંપૂર્ણ અમલ કરાયો નથી. આજે પણ ગુજરાતમાં ઘણા પોલીસ સ્‍ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા નથી. એટલુ જ નહીં, સીસીટીવી કેમેરા બંધ અવસ્‍થામાં છે.

હવે સવાલ એ છે, પોલીસ અને અન્‍ય તપાસ એજન્‍સીઓ નિષ્‍પક્ષપણે ફરજ નિભાવી રહી છે તો રોજરોજ કસ્‍ટોડીયલ મૃત્‍યુના કિસ્‍સાઓ કેમ બહાર આવી રહ્યાં છે. તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ કેમ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૫ કસ્‍ટોડીયલ ડેથની ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્‍ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્‍ટોડીયલ ડેથના કિસ્‍સાઓમાં બમણો વધારો થયો હતો.

એવો આરોપ છેકે, મોટાભાગે ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના આરોપીઓને સૌથી વધુ ત્રાસ, અમાનવિયતા અને યાતના સહન કરવી પડે છે.પોલીસ યુનિફોર્મની આડમાં કસ્‍ટડીમાં અત્‍યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.

એવી માંગ કરવામાં આવી છેકે, કે, દરેક કસ્‍ટોડિયલ ડેથની સ્‍વતંત્ર ન્‍યાયિક તપાસ કરવામાં આવે. ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજુના શંકાસ્‍પદ મોત પર ફાસ્‍ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.

ગુજરાતમાં કસ્‍ટોડિયલ ડેથની સ્‍થિતી

વર્ષ          કસ્‍ટોડિયલ

              ડેથના કિસ્‍સા

૨૦૧૭-૧૮  ૧૪

૨૦૧૮-૧૮  ૧૩

૨૦૧૮-૨૦  ૧૨

૨૦૨૧-૨૨  ૨૪

૨૦૨૨-૨૩     ૧૫

(10:18 AM IST)