તત્કાળ ટિકિટના દુરુપયોગને રોકવા માટે રેલવેનો મોટો નિર્ણય : આજથી (૬ ડિસેમ્બર) OTP આધારિત ઓથેન્ટિકેશન સિસ્ટમ લાગુ
સેન્ટ્રલ રેલવેની ૧૩ ટ્રેનોમાં આ સિસ્ટમ અમલી કરાઈ : IRCTC વેબસાઇટ, એપ, અને રિઝર્વેશન કાઉન્ટર પર બુકિંગ સમયે રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, જે સફળતાપૂર્વક વેરિફાય થયા પછી જ ટિકિટ મળશે : ગેરકાયદેસર બુકિંગ અટકાવી પારદર્શિતા વધારવાનો રેલવેનો હેતુ

નવી દિલ્હી, તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ : રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા અને તેના દુરુપયોગને રોકવાના ઉદ્દેશથી એક મોટો અને નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે OTP (વન ટાઇમ પાસવર્ડ) વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત કરી છે. આ નવી વ્યવસ્થા આજથી એટલે કે ૬ ડિસેમ્બરથી સેન્ટ્રલ રેલવેની ૧૩ ટ્રેનોમાં લાગુ કરવામાં આવી રહી છે.
નવો નિયમ અને પ્રક્રિયા
નવી વ્યવસ્થા હેઠળ, તત્કાલ ટિકિટ બુક કરાવનાર મુસાફરને બુકિંગ સમયે દાખલ કરેલા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. આ ટિકિટ ફક્ત ત્યારે જ જારી કરવામાં આવશે જ્યારે મુસાફર દ્વારા પ્રાપ્ત OTP સફળતાપૂર્વક વેરિફાય કરવામાં આવશે.
આ OTP આધારિત ઓથેન્ટિકેશન સિસ્ટમ નીચેના તમામ માધ્યમો પર લાગુ થશે:
* કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર્સ
* અધિકૃત એજન્ટો
* IRCTC ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન
રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન તેઓ સાચો મોબાઇલ નંબર દાખલ કરે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
અરંભ અને વિસ્તરણ
આ વ્યવસ્થા ૬ ડિસેમ્બરથી સેન્ટ્રલ રેલવેની ૧૩ ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે. જોકે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસમાં આ સુવિધા ૫ ડિસેમ્બરથી જ લાગુ થઈ ગઈ હતી. આ ઉપરાંત, પુણેથી હૈદરાબાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં ૧ ડિસેમ્બરથી જ આ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી હતી.
રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે આ પહેલ તત્કાલ ક્વોટાના ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે લેવામાં આવી છે. રેલવે જલ્દી જ રિઝર્વેશન કાઉન્ટરો પર પણ તમામ તત્કાલ ટિકિટો માટે OTP આધારિત સિસ્ટમ લાગુ કરવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, રેલવેએ જુલાઈમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર OTP વેરિફિકેશન ફરજિયાત કર્યું હતું અને ૧ ઓક્ટોબરથી બુકિંગ ખુલવાના પ્રથમ ૧૫ મિનિટમાં માત્ર આધાર વેરિફાઈડ યુઝર્સને જ રિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
