News of Saturday, 6th December 2025
બળવાખોર ધારાસભ્ય, વક્ફ વિવાદ અને SIR: મમતાની 'લઘુમતી રાજનીતિ'માં ત્રિપલ સંકટ : ભાજપને ફાયદો!
મુર્શિદાબાદના સસ્પેન્ડેડ TMC ધારાસભ્ય હુમાયુ કબીર દ્વારા બાબરી મસ્જિદનો મુદ્દો ઉઠાવાતા લઘુમતી મતોના વિભાજનનો ખતરો : મમતાના વક્ફ કાયદા પરના બદલાયેલા વલણથી મુસ્લિમ મતદારોમાં નારાજગી

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જી માટે આ સૌથી મુશ્કેલ સમય છે. તેમની પરંપરાગત લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ હવે અંત તરફ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ, હિન્દુ મતદારો પહેલાથી જ ભાજપ તરફ વળ્યા છે (જેનો પુરાવો ગયા વખતે ૭૭ ધારાસભ્યોની જીત છે), અને બીજી તરફ, તેમના પોતાના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદમાં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદના નમૂનારૂપ નવી મસ્જિદના શિલાન્યાસની જાહેરાત કરીને મુસ્લિમ મતોમાં આંતરિક વિભાજનનો પાયો નાખ્યો છે.
આ વિવાદ મમતા માટે એકલા નથી. છેલ્લા કેટલાક સમયથી, TMC સરકાર વક્ફ કાયદા અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સર્વેને લઈને લઘુમતીઓના હુમલાનો ભોગ બની છે. મમતા બેનર્જીએ અગાઉ વક્ફ કાયદાનો વિરોધ કર્યા બાદ હવે પોતાનું વલણ બદલીને તેને બંગાળમાં લાગુ કરવાની અને વક્ફ મિલકતોની વિગતો કેન્દ્ર સરકારના પોર્ટલ પર અપલોડ કરવાની મંજૂરી આપી છે. આનાથી બંગાળના મુસ્લિમોમાં એવી લાગણી ઊભી થઈ છે કે મમતા બેનર્જી તેમના માટે ભાજપ કરતા ઓછા ખતરનાક નથી. બીજી તરફ, SIR સર્વે રોકવાના મમતાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, જેનાથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્વાસન આપવાની તેમની નીતિ પર પણ સવાલો ઊભા થયા છે.
બળવાખોર ધારાસભ્ય હુમાયુ કબીરે, જેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમણે ૯૦ લઘુમતી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મમતા બેનર્જીને પાઠ ભણાવવાનો સંકલ્પ લીધો છે અને નવી પાર્ટીની રચનાની પણ જાહેરાત કરી છે. તેમનો આ પગલો, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ની વધતી સંભાવનાઓ સાથે મળીને, મુસ્લિમ મતોનું વિભાજન કરશે. બંગાળમાં મુસ્લિમ વસ્તી લગભગ ૩૦% હોવાનો અંદાજ છે અને આ મતોનું વિભાજન થતાં જ સાંપ્રદાયિક રાજકારણનો પાયો મજબૂત થશે, જેનો સીધો અને મોટો ફાયદો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને થવાની સંભાવના છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
