News of Saturday, 6th December 2025
ઇન્ડિગો કટોકટીમાં મુસાફરોને લૂંટતા અન્ય એરલાઇન્સ પર કેન્દ્ર સરકારની લાલ આંખ : હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી : તાત્કાલિક લાગુ
૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે ₹૭,૫૦૦ અને સૌથી લાંબા રૂટ માટે ₹૧૮,૦૦૦ ની સીલિંગ લાગુ : અન્ય એરલાઇન્સ દ્વારા ₹૯૦,૦૦૦ સુધીનું ભાડું વસૂલાતા મુસાફરોનું શોષણ રોકવા MoCA નો મોટો અને તાત્કાલિક નિર્ણય

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા પાંચ દિવસથી ગંભીર ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે, જેના કારણે હજારો ફ્લાઇટ્સ રદ થઈ છે અને અનેક વિમાનો મોડા પડ્યા છે. ઇન્ડિગો સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સ મુસાફરો પાસેથી અનેક ગણું ઊંચું ભાડું વસૂલતી હોવાની ફરિયાદો બાદ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ મુસાફરોના આર્થિક શોષણને રોકવા માટે તેના રેગુલેટરી અધિકારોનો ઉપયોગ કર્યો છે અને તાત્કાલિક અસરથી તમામ અસરગ્રસ્ત રૂટ પર મહત્તમ ભાડા મર્યાદા (Fair Cap) લાગુ કરી દીધી છે. સરકારે એરલાઇન્સને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેઓ વ્યક્તિગત રૂટ માટે નક્કી કરાયેલા મહત્તમ ભાડા કરતાં મુસાફરો પાસેથી વધુ ભાડું નહીં વસૂલે.
અંતર મુજબ મહત્તમ ભાડાની સીલિંગ
મંત્રાલયે હવાઈ મુસાફરીના અંતરના આધારે મહત્તમ ભાડાની મર્યાદા નક્કી કરી છે, જેનાથી એરલાઇન્સની મનમાની પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે:
૧. ૫૦૦ કિલોમીટર સુધીની મુસાફરી માટે એરલાઇન્સ વધુમાં વધુ ₹૭,૫૦૦ વસૂલી શકશે.
૨. ૫૦૦ થી ૧,૦૦૦ કિલોમીટર વચ્ચેની યાત્રા માટે મહત્તમ ભાડું ₹૧૨,૦૦૦ નક્કી કરાયું છે.
૩. ૧,૦૦૦ થી ૧,૫૦૦ કિલોમીટર લાંબી યાત્રા માટે મુસાફરો પાસેથી વધુમાં વધુ ₹૧૫,૦૦૦ ભાડું વસૂલી શકાશે.
૪. જ્યારે ૧,૫૦૦ કિલોમીટરથી વધુ અંતર માટે ₹૧૮,૦૦૦ થી વધુ ભાડું વસૂલી શકાશે નહીં.
₹૯૦,૦૦૦ સુધીનું ભાડું વસૂલાયું હતું
ઇન્ડિગો દ્વારા શુક્રવારે ૧,૦૦૦ થી વધુ અને શનિવારે ૪૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા, મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, ૬ ડિસેમ્બરે સ્પાઇસજેટની કોલકાતા-મુંબઈ ટ્રીપ માટે ઇકોનોમી ક્લાસ ટિકિટ ₹૯૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે એર ઇન્ડિયાની મુંબઈ-ભુવનેશ્વર ટિકિટ ₹૮૪,૪૮૫ માં વેચાઈ રહી હતી. કેટલાક સેલેબ્સે પણ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સિંગર રાહુલ વૈદ્યએ ગોવાથી મુંબઈ આવવા માટે ₹૪.૨૦ લાખ ચૂકવવા પડ્યા હોવાની ફરિયાદ કરી હતી.
રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને કડક કાર્યવાહી
મુસાફરોના આર્થિક શોષણને રોકવા માટે, MoCA એ સ્પષ્ટતા કરી છે કે હવાઈ ભાડાનું નિરીક્ષણ કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ રિઅલ-ટાઇમ ડેટાનું નિરીક્ષણ કરશે અને એરલાઇન્સ તેમજ ઓનલાઇન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સતત સંકલન કરશે. નિયમોનું ઉલ્લંઘન કરતી એરલાઇન્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયે આ ભાડા મર્યાદાને જાહેર હિતમાં લેવાયેલું તાત્કાલિક અને જરૂરી પગલું ગણાવ્યું છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
