હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અયોધ્યા તો માત્ર શરૂઆત છે, હવે અમારું લક્ષ્ય કાશી-મથુરા: સીએમ યોગીનો નિર્ધાર, ૬ ડિસેમ્બરને ગણાવ્યો 'કલંક મુક્તિ' દિવસ
બાબરી માળખાના ધ્વંસની વરસી એટલે કે ૬ ડિસેમ્બરના રોજ તેમણે સ્પષ્ટ કર્યું કે અયોધ્યા બાદ હવે કાશી વિશ્વનાથ અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ જેવા ધાર્મિક સ્થળોના વિવાદોનો પણ તાર્કિક ઉકેલ આવશે

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી અને મથુરા અંગે સૂચક અને આક્રમક નિવેદન આપીને દેશના રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. બાબરી માળખાના ધ્વંસની વરસી એટલે કે ૬ ડિસેમ્બરના રોજ તેમણે સ્પષ્ટ કર્યું કે અયોધ્યા બાદ હવે કાશી વિશ્વનાથ અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ જેવા ધાર્મિક સ્થળોના વિવાદોનો પણ તાર્કિક ઉકેલ આવશે. તેમણે ૬ ડિસેમ્બરને ગુલામીના પ્રતીક અને કલંકમાંથી મુક્તિનો દિવસ ગણાવ્યો છે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા અને કાશી અંગે પોતાની સરકાર અને વિચારધારાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એક મીડિયા કાર્યક્રમમાં વાત કરતા સીએમ યોગીએ સંકેત આપ્યો કે સનાતન ધર્મના આ પવિત્ર સ્થળોનો પુનઃઉદ્ધાર નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, "અમે તમામ જગ્યાએ પહોંચીશું અને પહોંચી ચૂક્યા છીએ. જે પણ આંદોલનો થયા તે સમયની માંગ અને જરૂરિયાત હતા."
૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. આ દિવસ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ તારીખે દેશને એક મોટા કલંકમાંથી મુક્તિ મળી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બાબરી મસ્જિદનું કલંક હંમેશ માટે ભૂંસાઈ ગયું છે અને ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ભારતીય લોકશાહી અને ન્યાયતંત્રની તાકાત દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે આપણને આપણા વારસા પર ગૌરવ થવું જોઈએ.
અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ ત્યાં આવેલા બદલાવ અને શ્રદ્ધાળુઓના પ્રવાહ અંગે માહિતી આપતા યોગી આદિત્યનાથે મહત્વના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં ૨૪ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા છે. સામાન્ય દિવસોમાં પણ દરરોજ ૧.૫ લાખ જેટલા ભક્તો અયોધ્યા આવે છે, જ્યારે તહેવારો કે વિશેષ દિવસોમાં આ સંખ્યા ૩૫ થી ૪૦ લાખ સુધી પહોંચી જાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે શ્રદ્ધાળુઓમાં કેટલો અભૂતપૂર્વ ઉત્સાહ છે.
હાલમાં વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે સીએમ યોગીનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવે છે. હિન્દુ પક્ષનો દાવો છે કે કાશીમાં મુઘલ શાસકો દ્વારા મૂળ વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી, જેના પુરાવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) ના સર્વેમાં મળ્યા હોવાનો દાવો છે.
તેવી જ રીતે મથુરામાં ૧૭મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબે ભગવાન કૃષ્ણના ગર્ભગૃહ ઉપર શાહી ઈદગાહ મસ્જિદ બનાવી હોવાનો વિવાદ કોર્ટમાં છે. મુખ્યમંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે આ બંને ધાર્મિક સ્થળોના કાનૂની અને સાંસ્કૃતિક ઉકેલ માટે કટિબદ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
