<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સંકટગ્રસ્ત ઈન્ડિગો પર ડીજીસીએની લાલ આંખ: નોટિસ બાદ એરલાઈન્સે કમર કસી, આજે ઈન્ડિગો ૧૫૦૦ ફ્લાઈટનું સંચાલન કરશે

સામાન્ય દિવસોમાં ઈન્ડિગો રોજના ૧૯૦૦ થી ૨૦૦૦ જેટલી ફ્લાઈટનું સંચાલન કરે છે: પરંતુ હાલના સંકટને કારણે આ આંકડામાં જબ્બર ઘટાડો જોવા મળ્યો છે

મુંબઈ: નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) દ્વારા ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસ અને ચોમેરથી થઈ રહેલી ટીકાઓ બાદ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો તાત્કાલિક હરકતમાં આવી છે. કંપનીએ જાહેર કરેલા તાજા નિવેદન મુજબ, પ્રવર્તમાન કટોકટી અને ઓપરેશનલ પડકારો વચ્ચે પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આજે ૧૫૦૦ જેટલી ફ્લાઈટ રાબેતા મુજબ ઉડાન ભરશે.

છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગો એરલાઈન્સ વિવિધ તકનીકી ખામીઓ અને ગેરવહીવટના કારણે ચર્ચામાં છે. આ મામલે ડાયરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એરલાઈન્સને કડક શબ્દોમાં નોટિસ પાઠવવામાં આવી હતી.

ડીજીસીએની આ સખત કાર્યવાહી બાદ ઈન્ડિગો મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે તેમનું સંપૂર્ણ ધ્યાન નેટવર્કને સામાન્ય સ્થિતિમાં લાવવા પર કેન્દ્રિત છે. એરલાઈન્સે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં આજે તેઓ ૧૫૦૦ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે જેથી મુસાફરોને પડતી મુશ્કેલીઓ ઓછી કરી શકાય. સામાન્ય દિવસોમાં ઈન્ડિગો રોજના ૧૯૦૦ થી ૨૦૦૦ જેટલી ફ્લાઈટનું સંચાલન કરે છે, પરંતુ હાલના સંકટને કારણે આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં ૧૫૦૦ ફ્લાઈટનું સંચાલન કરીને એરલાઈન્સ ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવા મથામણ કરી રહી છે.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની ભારે ભીડ અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને પગલે ડીજીસીએ સતત એરલાઈન્સની કામગીરી પર નજર રાખી રહ્યું છે. નિયમનકારી સંસ્થાએ એરલાઈન્સને સ્પષ્ટ સૂચના આપી છે કે ફ્લાઈટ રદ થવા કે મોડી પડવાના કિસ્સામાં મુસાફરોને રિફંડ અને નાસ્તા-પાણીની વ્યવસ્થા નિયમો મુજબ પૂરી પાડવામાં આવે.

ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમની ટેકનિકલ ટીમ અને ગ્રાઉન્ડ સ્ટાફ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. જે ફ્લાઈટ્સ રદ થઈ છે તે મુસાફરોને અન્ય ફ્લાઈટમાં સમાવવા અથવા રિફંડ આપવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. એરલાઈન્સે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઈટ સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે, જેથી છેલ્લી ઘડીની અસુવિધા ટાળી શકાય.

આ સમગ્ર ઘટનાક્રમમાં શેરબજાર અને ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો પણ ઈન્ડિગોની રિકવરી પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. આગામી ૨૪ કલાક એરલાઈન્સ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

 

(10:30 AM IST)