<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

ગોવા અગ્નિકાંડ: મોટાભાગના મૃત્યુ દાઝી જવાને બદલે ધુમાડામાં ગૂંગળામણને કારણે થયા: અરપોરાની ક્લબનો મૃત્યુ આંક ૨૫ થયો, આંક વધવાનો ભય: મૃતકોમાં ૪ પ્રવાસીઓ સામેલ:

ક્લબના ૧૪ સ્ટાફ મેમ્બર્સનો ભોગ લેવાયો: ૭ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી: ૬ની સ્થિતિ ક્રિટીકલ: ક્લબમાં "ફાયર સેફ્ટી"ના નિયમોનું પાલન થતું ન હતું

ગોવા: અહીંના અરપોરા વિસ્તારમાં આવેલી જાણીતી "બર્ચ બાય રોમિયો લેન" ક્લબમાં શનિવારે મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ક્લબમાં નાસભાગ મચી ગઈ હતી અને અનેક લોકો ગૂંગળાઈ ગયા હતા.

ગોવા પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોના મૃતદેહ મળ્યા છે. જેમાં ૪ પ્રવાસીઓ (ટુરિસ્ટ) અને ૧૪ ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. હજુ સુધી ૭ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. દુર્ઘટનામાં ૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. 

 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ ક્લબમાં "ફાયર સેફ્ટી"ના નિયમોનું પાલન થતું ન હતું. રાજ્ય સરકારે આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

 

મોટાભાગના મૃત્યુ દાઝી જવાને બદલે ધુમાડામાં ગૂંગળામણને કારણે થયા હોવાનું તબીબી રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

(12:27 PM IST)