News of Sunday, 7th December 2025
અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર આફત: હજારો લોકોની સિટીઝનશિપ પર રોક, 'નેચરલાઈઝેશન' અટવાયું
ડીસી શૂટિંગ બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો આકરો નિર્ણય: ઈરાન, સુદાન, હૈતી સહિતના દેશોના ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ઇન્ટરવ્યુ અને શપથ સમારોહ રદ, કાયદાની કડકાઈથી ડિપોર્ટેશનનું જોખમ વધ્યું.

અમદાવાદ/ન્યૂયોર્ક: અમેરિકાના નાગરિક બનવાનું સ્વપ્ન જોતા હજારો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે હાલની સ્થિતિ ખૂબ જ પડકારજનક બની ગઈ છે. ડીસીમાં થયેલા શૂટિંગની ઘટના બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમિગ્રેશન સિસ્ટમ પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, જેના પરિણામે મેસાચ્યુસેટ્સથી લઈને કેલિફોર્નિયા સુધીના અનેક લોકોના નેચરલાઈઝેશન ઇન્ટરવ્યુ અને શપથ સમારોહ (Oath Ceremony) રદ કરી દેવાયા છે. USCIS (યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ) દ્વારા સત્તાવાર ડેટા જાહેર કરાયો નથી, પરંતુ અંદાજ છે કે હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ કાર્યવાહી ખાસ કરીને ઈરાન, સુદાન, હૈતી અને સોમાલિયા જેવા ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સ ધરાવતા દેશોના અરજદારોને અસર કરી રહી છે.
આ નિર્ણયની સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઇમિગ્રેશન લૉયર્સને પણ હાલમાં શું ચાલી રહ્યું છે તેનો કોઈ અંદાજ નથી. અત્યાર સુધી ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવતા હતા, પરંતુ હવે તો જેમને સિટીઝનશિપ મળવાની તૈયારીમાં છે તેમને પણ માત્ર ચાર લાઈનના ઈમેલ દ્વારા કેન્સલેશનની જાણ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, સિટીઝનશિપ માટેની પરીક્ષા પણ અઘરી બનાવવામાં આવી છે, અરજદારોનું સોશિયલ મીડિયા વેટિંગ વધારી દેવાયું છે, અને ઇમિગ્રેશન ઓફિસર્સ પોઝિટિવ રિવ્યૂ આપનારા લોકોની પણ પૂછપરછ કરી રહ્યા છે. આ કારણે, જેમણે ભૂતકાળમાં કોઈ સામાન્ય ક્રાઈમ કર્યો છે કે પછી અન્ય કોઈ ગેરરીતિથી ગ્રીન કાર્ડ મેળવ્યું છે, તેમને માટે સિટીઝનશિપ માટે એપ્લાય કરવું એ સામે ચાલીને ડિપોર્ટેશનને નોતરું આપવા જેવું રિસ્કી બની ગયું છે.
વધુમાં, અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ હવે ટ્રમ્પ દ્વારા સાઈન કરાયેલા બર્થરાઈટ સિટીઝનશિપનો અંત લાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડરની કાયદેસરતા પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે, અને એક રિપબ્લિકન સેનેટરે ડ્યૂઅલ સિટીઝનશિપ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતો ખરડો રજૂ કર્યો છે. આ કડકાઈને કારણે, 2024-25માં 8.18 લાખ લોકોને સિટીઝનશિપ મળી હતી, પરંતુ 2025-26માં આ આંકડો ઘણો ઓછો રહેવાની શક્યતા છે. જે લોકોએ લગ્ન દ્વારા અથવા ગ્રીન કાર્ડ રિન્યૂઅલ દ્વારા સિટીઝનશિપની પ્રક્રિયા કરી છે, તેમની પણ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પરિણામે, ફેક સ્ટોરી રજૂ કરીને અસાયલમના કેસ કરનારાઓને આગામી એક-બે વર્ષમાં ઘરભેગાં થવું પડશે તે લગભગ નિશ્ચિત છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
