<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

UK કોર્ટમાં ગુજરાતી મહિલાની મોટી જીત: પિતાના બદલાયેલા 'વિલ'ને પડકાર્યો, હવે રૂ.6 કરોડની મિલકતમાં મળશે સમાન હિસ્સો

સ્વર્ગસ્થ લક્ષ્મીકાંત પટેલની રૂ.6 લાખ પાઉન્ડની મિલકતના વિવાદમાં નાની દીકરી ભાવનેતાની તરફેણમાં ચુકાદો: લંડન હાઈકોર્ટે 2021નું વિલ રદ કરી 2019નું વસિયતનામું માન્ય રાખ્યું, વિલ બનાવવાની પ્રક્રિયા શંકાસ્પદ જણાતા કોર્ટે આશંકા વ્યક્ત કરી.

લંડન (યુકે): યુકેમાં રહેતા ગુજરાતી પરિવારના એક હાઈ-પ્રોફાઇલ વારસાઈ વિવાદમાં નાની દીકરી ભાવનેતા પટેલને કોર્ટમાં મોટી જીત મળી છે. ભાવનેતાએ પોતાના સ્વર્ગસ્થ પિતા લક્ષ્મીકાંત પટેલના છેલ્લા વસિયતનામાને લંડનની હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યું હતું, જેમાં તેને પિતાની છ લાખ પાઉન્ડની મિલકતમાંથી માત્ર 250 પાઉન્ડ જ મળ્યા હતા, જ્યારે મોટી દીકરી અંજુ પટેલને આખું મકાન આપવામાં આવ્યું હતું. કોર્ટમાં લાંબી દલીલો સાંભળ્યા બાદ ડેપ્યુટી માસ્ટર જેસન રીબર્ને ભાવનેતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને 2019નું અગાઉનું વિલ માન્ય રાખ્યું છે. આ ચુકાદાનો અર્થ એ છે કે લક્ષ્મીકાંત પટેલનું હેરોમાં આવેલું મુખ્ય ઘર હવે તેમના ત્રણેય સંતાનો – અંજુ, ભાવનેતા અને પિયૂષ – વચ્ચે સરખા ભાગે વહેંચાઈ શકે છે.
કોર્ટે 2021માં થયેલા વિલ પર સખત આશંકા વ્યક્ત કરી હતી. જજે જણાવ્યું હતું કે, જ્યારે 85 વર્ષીય લક્ષ્મીકાંત પટેલનું અંતિમ વિલ ઓગસ્ટ 2021માં તૈયાર થયું, ત્યારે તેઓ ખૂબ જ બીમાર અને અશક્ત અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ હતા, અને ત્યારે કોવિડના નિયંત્રણો પણ અમલમાં હતા. કોર્ટે એ બાબત પર સવાલ ઉઠાવ્યો કે વિલના સાક્ષીઓ દ્વારા તે જ વખતે અને એક જ પેનથી સહી કરવામાં આવી હતી કે નહીં, તેનો કોઈ પુરાવો રજૂ કરાયો નહોતો. વધુમાં, જજે નોંધ્યું કે અગાઉના વિલમાં સોલિસિટર્સની મદદ લેવાઈ હતી, જ્યારે 2021નું વિલ વિજયકાંત પટેલ નામના વ્યક્તિએ લખ્યું હતું, જેમની સાથે લક્ષ્મીકાંતના સંબંધો સ્પષ્ટ નહોતા. આ શંકાસ્પદ સંજોગોને કારણે કોર્ટે 2021ના વિલને રદ કરી દીધું.
લક્ષ્મીકાંત પટેલ, જેઓ 1970ના દાયકામાં યુગાન્ડાથી યુકે માઈગ્રેટ થયા હતા, તેમણે ત્યાં સખત મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી હતી. મોટી દીકરી અંજુ પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેના પિતાને ભાવનેતા અને પિયૂષ પર વિશ્વાસ નહોતો. બીજી તરફ, ભાવનેતાના વકીલે આરોપ લગાવ્યો હતો કે અંજુ પટેલે તેના પિતાને તેમની ધાર્મિક આસ્થાથી દૂર કરીને એકલા પાડી દીધા હતા. જોકે, કોર્ટના અંતિમ ચુકાદાથી એ સાબિત થયું કે લક્ષ્મીકાંતના 2019ના વિલમાં તમામ સંતાનોને સમાન હિસ્સો આપવાની ઈચ્છા હતી. આ નિર્ણય NRI ગુજરાતી પરિવારોમાં વારસાઈ વિવાદો અને વસિયતનામું બનાવવાની કાનૂની પ્રક્રિયાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

(1:18 PM IST)