<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

મુંબઈમાં તણાવ: રિક્ષા-ફ્રી ઝોનમાં પ્રવેશને લઈ પોલીસ અને આંબેડકરના અનુયાયીઓ વચ્ચે અથડામણ, ઈસ્ટર્ન એક્સપ્રેસવે જામ

સાયન સ્ટેશનથી આગળ રિક્ષા લઈ જવાના મુદ્દે ઊહાપોહ: અનુયાયીઓએ રસ્તો જામ કરવાની ચીમકી આપતાં ઈસ્ટર્ન એક્સપ્રેસવે બ્લોક થયો; ઘર્ષણમાં એક પોલીસકર્મી ઘાયલ.

મુંબઈ (સાયન): મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ અને પોલીસ વચ્ચે તંગદીલીભરી અથડામણ થઈ હતી, જેના કારણે મુખ્ય માર્ગ જામ થઈ ગયો હતો. આ વિવાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા જતા અનુયાયીઓ દ્વારા રિક્ષા-ફ્રી ઝોન ગણાતા વિસ્તારમાં રિક્ષા લઈ જવાના મુદ્દે થયો હતો. પોલીસ દ્વારા સાયન સ્ટેશનની આગળ રિક્ષાઓને અટકાવવામાં આવતાં અનુયાયીઓ રોષે ભરાયા હતા. બંને પક્ષો વચ્ચે જોરદાર દાવા-દલીલો અને ઘર્ષણ થયું હતું, જેમાં એક પોલીસકર્મી રિક્ષા પગ પર ચડી જતાં ઘાયલ થયો હતો.
પોલીસે નિયમો ટાંકીને રિક્ષાઓને રોકી હતી, પરંતુ અનુયાયીઓ પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે અડગ હતા. આ વિવાદ થોડા જ કલાકોમાં વકર્યો અને પરિસ્થિતિ એટલી હદે તંગ થઈ કે બાબાસાહેબના અનુયાયીઓએ ઈસ્ટર્ન એક્સપ્રેસવે બ્લૉક કરી દીધો હતો. અનુયાયીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તેમની રિક્ષાઓને પસાર નહીં થવા દેવામાં આવે ત્યાં સુધી રસ્તો ખાલી નહીં થાય. આ કારણોસર મુંબઈના એક મુખ્ય માર્ગ પર અંધાધૂંધીની સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક થંભી ગયો હતો.
લાંબા સમય સુધી ચાલેલા વિવાદ અને પરિસ્થિતિ વધુ વકરે નહીં તે માટે, અંતે પોલીસે નમતું મૂક્યું હતું. કલાકો સુધી રસ્તો જામ રહ્યા બાદ પોલીસે રિક્ષાઓને આગળ વધવાની મંજૂરી આપી દીધી હતી, જેનાથી ઈસ્ટર્ન એક્સપ્રેસવે પરનો બ્લોક દૂર થયો અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકી. જોકે, આ ઘટનાએ રિક્ષા-ફ્રી ઝોનમાં ટ્રાફિક નિયમોના અમલ અને ધાર્મિક આયોજનો દરમિયાન શાંતિ જાળવવાના પડકારોને ફરી એકવાર સામે લાવ્યા છે.

 

(1:43 PM IST)