<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

યુદ્ધના મેદાનની તૈયારી: બ્રિટિશ સેના હવે 'કૉલ ઑફ ડ્યુટી' જેવી વીડિયો ગેમ્સથી જવાનોને આપી રહી છે ટ્રેઇનિંગ

સંરક્ષણ ક્ષમતા સુધારવા માટે બ્રિટિશ આર્મીનો અનોખો પ્રયોગ: કમ્પ્યુટર ગેમ્સના ઉપયોગથી ડ્રોન કન્ટ્રોલિંગ સહિતની સ્કિલ્સ સુધરે છે, ખર્ચમાં ઘટાડો અને તાલીમની ગુણવત્તામાં વધારો.

લંડન (બ્રિટન): વિડિયો ગેમ્સને સામાન્ય રીતે સમય પસાર કરવાનું સાધન માનવામાં આવે છે, પરંતુ બ્રિટનની સેનાએ તેના ઉપયોગથી તાલીમની દુનિયામાં એક નવી ક્રાંતિ લાવી છે. બ્રિટનની આર્મીમાં હવે ઑફિશિયલી ચોક્કસ પ્રકારની કમ્પ્યુટર વિડિયો ગેમ્સનો ઉપયોગ જવાનોને તાલીમ આપવા માટે થઈ રહ્યો છે. બ્રિટિશ આર્મીના ચીફ ઓફિસરે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમનું માનવું છે કે, 'કૉલ ઑફ ડ્યુટી' (Call of Duty) જેવી ગેમ્સ નિયમિત રમવાથી સૈનિકોની યુદ્ધની સ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને ખાસ કરીને ડ્રોનને કન્ટ્રોલ કરવાની સ્કિલમાં ઘણો સુધારો થાય છે.
આ ટેક્નોલોજીકલ અભિગમ અપનાવવાનું મુખ્ય કારણ ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો છે. રિયલ લાઇફ ટ્રેઇનિંગ માટે જે મોટા સંસાધનો વપરાય છે અને ઘણો ખર્ચ થાય છે, તેની સરખામણીએ કમ્પ્યુટર આધારિત તાલીમ દરમિયાન ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આનાથી જવાનો પોતાની રીતે અને વારંવાર પ્રેક્ટિસ કરીને તેમની કુશળતાને વધુ શાર્પ કરી શકે છે, જે આધુનિક યુદ્ધના મેદાનમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
સૈન્યની ક્ષમતાઓને વધુ સુધારવા માટે બ્રિટિશ આર્મી દ્વારા વિડિયો ગેમ કૉમ્પિટિશનની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સ્પર્ધાને ઇન્ટરનેશનલ ડિફેન્સ ઈ-સ્પોર્ટ્સ ગેમ નામ આપવામાં આવ્યું છે. આ પહેલ માત્ર તાલીમનું માધ્યમ જ નથી, પરંતુ આધુનિક યુગમાં સૈન્યની કામગીરીને ટેકનોલોજી સાથે સાંકળવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ બતાવે છે કે વિડિયો ગેમ્સ માત્ર મનોરંજન નહીં, પરંતુ ગંભીર તાલીમનું સાધન પણ બની શકે છે.

(1:54 PM IST)