<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સનસનીખેજ બ્રેકઅપ: ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્ન રદ્દ, પલાશે ગુસ્સે થઈ કાનૂની પગલાં લેવાની ચીમકી આપી

લાંબા સમયથી ચર્ચામાં રહેલા હાઈ-પ્રોફાઈલ લગ્ન તૂટ્યા: પલાશ મુચ્છલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને 'ખાનગી સંબંધથી દૂર રહેવા'નો નિર્ણય જાહેર કર્યો, અફવાઓ ફેલાવનારાઓ પર ભડક્યો.

મુંબઈ : જે લગ્નની ક્રિકેટ અને મ્યુઝિક જગતના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે લગ્ન હવે તૂટી ગયા છે. જી હા, ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના લગ્ન હવે નહીં થાય. પલાશ મુચ્છલે પોતે શનિવારે સોશિયલ મીડિયા પર એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને આ અંગેની ચોંકાવનારી જાણકારી આપી છે. પલાશે જણાવ્યું કે, તેણે પોતાની જિંદગીમાં આગળ વધવા અને ખાનગી સંબંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ક્રિકેટ અને બોલિવૂડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
આ જાહેરાત કરતા પલાશે પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું કે, આ સમય તેના માટે ખૂબ જ કઠિન છે. તેણે પાયાવિહોણી અફવાઓ પર પ્રતિક્રિયા આપતા લોકો પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. પલાશે સ્પષ્ટ કહ્યું કે, "મારા માટે એ જોવું ખૂબ અઘરૂ છે કે, જે વસ્તુ મારા માટે સૌથી પવિત્ર બાબત છે, તેના વિશે લોકો પાયાવિહોણી અફવાઓ પર આટલી સરળતાથી પ્રતિક્રિયા આપી રહ્યા છે." તેણે સમાજને વિનંતી કરી કે કોઈ વિશે પુષ્ટિ કર્યા વિના અફવાઓના આધારે મંતવ્ય બાંધતા પહેલાં થોડું રોકાતા શીખવું જોઈએ.
મહત્ત્વપૂર્ણ છે કે, પલાશ અને સ્મૃતિના લગ્ન 23 નવેમ્બર, 2025ના રોજ થવાના હતા, પરંતુ લગ્નના દિવસે જ મંધાનાના પિતાની તબિયત બગડતાં લગ્નની તારીખ ટાળવામાં આવી હતી. હવે લગભગ 15 દિવસ પછી પલાશે લગ્ન કેન્સલ થવાની વાત જાહેર કરી છે. આ સાથે જ પલાશે સખત ચેતવણી આપી છે કે, તેની ટીમ ખોટી અને અપમાનજનક સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ સંબંધ તૂટવા પાછળ કોઈ ગંભીર વિવાદ અથવા અફવાઓ જવાબદાર હોઈ શકે છે.

(3:26 PM IST)