તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Sunday, 7th December 2025
નાસિકના સપ્તશૃંગી ગઢ પાસે હચમચાવી દેતી દુર્ઘટના: પટેલ પરિવારની ઈનોવા કાર ૧૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ૪ મહિલા સહિત ૬નાં કમકમાટીભર્યા મોત
યાત્રાધામ સપ્તશૃંગી ગઢ ખાતે દર્શને ગયેલા નિફાડ તાલુકાના પીમ્પલગાંવ બસવંતના પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તશૃંગી ગઢ ખાતે દર્શને ગયેલા નિફાડ તાલુકાના પીમ્પલગાંવ બસવંતના પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શનિવારે બપોરે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૧૦૦૦થી ૧૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા કીર્તિ પટેલ (૫૦), રસીલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), પચન પટેલ (૬૦) અને મણિબેન પટેલ (૬૦)ના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ સપ્તશૃંગી ગઢના ઘાટમાં આજે (૭ ડિસેમ્બર) બપોરના સુમારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી એક ઈનોવા કાર ચાલકના કાબૂ બહાર જતાં માર્ગ પરથી સીધી ૧૦૦૦થી ૧૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કડૂસલો બોલી ગયો હતો અને તેમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી ન હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ઈનોવા કારનો નંબર MH 15 BN 0555 છે. કારમાં કુલ ૭ લોકો સવાર હતા, જેમાંથી ૬ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ૨ પુરુષો અને ૪ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો નાસિકના નિફાડ તાલુકાના પીમ્પલગાંવ બસવંત ગામના રહેવાસી હોવાનું અને તેઓ તમામ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને આસપાસના નાગરિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. જોકે, ખીણ ખૂબ ઊંડી હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખીણમાંથી મૃતદેહો બહાર કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ ટીમને બોલાવવામાં આવી હતી. શરૂઆતમાં ટીમને ૫ મૃતદેહો મળ્યા હતા, પરંતુ વધુ તપાસ બાદ વધુ ૧ મૃતદેહ મળી આવતાં કુલ મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો હતો.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. એકસાથે પરિવારના છ સભ્યોની અર્થી ઉઠતા પીમ્પલગાંવ બસવંત ગામમાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
