<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

જયપુરમાં પત્તાના મહેલની જેમ ૫ માળની હોટલ ધરાશાયી: બેઝમેન્ટના ખોદકામે ભોગ લીધો, તંત્રએ તાત્કાલિક ઈમારત તોડી પાડી મોટી જાનહાનિ ટાળી

જેડીએ દ્વારા તાત્કાલિક ધોરણે ઈમારત તોડી પાડવાનો નિર્ણય લેવાતા ગણતરીની સેકન્ડોમાં આખું સ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું

રાજસ્થાનના જયપુરમાં માલવિયા નગર સેક્ટર-૯માં નિર્માણાધીન ૫ માળની હોટલ એક તરફ નમી ગયા બાદ તંત્ર દ્વારા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. માત્ર ૭ મહિનામાં ઉભી કરાયેલી આ ઈમારતના બેઝમેન્ટમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે દીવાલોમાં તિરાડો પડતાં અફરાતફરી મચી હતી. જેડીએ દ્વારા તાત્કાલિક ધોરણે ઈમારત તોડી પાડવાનો નિર્ણય લેવાતા ગણતરીની સેકન્ડોમાં આખું સ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

જયપુરના માલવિયા નગર વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળતી જોવા મળી હતી. અહીં સેક્ટર ૯માં એક પાંચ માળની હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગનું બાહ્ય કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું અને માત્ર ૭ મહિનાના ટૂંકા ગાળામાં આખી ઈમારત ઉભી કરી દેવામાં આવી હતી.

જોકે, ઈમારતના બેઝમેન્ટમાં ચાલી રહેલા ખોદકામને કારણે ઈમારતનો પાયો હચમચી ગયો હતો અને દીવાલોમાં મોટી તિરાડો પડવા લાગી હતી.
ઈમારત એક તરફ નમવા લાગતાં જ અંદર કામ કરી રહેલા શ્રમિકો અને આસપાસના લોકો જીવ બચાવવા માટે બહાર દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલા જયપુર વિકાસ સત્તામંડળ (જેડીએ) અને અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને ઈમારતને નિયંત્રિત રીતે તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ માત્ર ૫ સેકન્ડમાં જ પાંચ માળની તોતિંગ ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

આ કાર્યવાહી દરમિયાન હોટલ માલિકે વિરોધ નોંધાવ્યો હતો. તેમનો દાવો હતો કે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પરવાનગી મેળવી હતી અને તેના માટે ૩.૧૨૫ લાખ રૂપિયા પણ જમા કરાવ્યા હતા. જોકે, સામા પક્ષે જેડીએ ઝોન ૧ના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ હોટલ રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવી રહી હતી, જે કોમર્શિયલ પ્રવૃત્તિઓના નિયમોનું ઉલ્લંઘન છે. વધુમાં, બેઝમેન્ટમાં ખોદકામ અયોગ્ય રીતે અને કોઈ પણ પરવાનગી વગર કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે આ હોટલ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. તંત્રની સમયસૂચકતાને કારણે આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો


 

(10:11 PM IST)