તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Monday, 8th December 2025
બિગ બોસ ૧૯: ગૌરવ ખન્નાના શિરે વિજેતાનો તાજ, ફરહાના ભટ્ટ રનર-અપ; ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરી સલમાન ખાન રડી પડ્યો
શો દરમિયાન બિગ બોસની અગાઉની સીઝનનો ધર્મેન્દ્રનો એક થ્રોબેક વીડિયો બતાવવામાં આવ્યો

આજે રવિવારે મુંબઈમાં યોજાયેલા બિગ બોસ ૧૯ના ગ્રાન્ડ ફિનાલેમાં ગૌરવ ખન્નાએ બાજી મારી લીધી છે અને તેઓ આ સીઝનના વિજેતા જાહેર થયા છે, જ્યારે ફરહાના ભટ્ટ રનર-અપ રહી છે. આ દરમિયાન શોના હોસ્ટ સલમાન ખાન દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો એક વીડિયો જોઈને મંચ પર જ અત્યંત ભાવુક થઈ ગયા હતા.
મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટીમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રિયાલિટી શો બિગ બોસ ૧૯ને તેનો નવો ચેમ્પિયન મળી ગયો છે. ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ વચ્ચે ખિતાબ માટે જોરદાર ટક્કર જોવા મળી હતી, જેમાં આખરે ગૌરવ ખન્ના વિજયી સાબિત થયા છે અને ફરહાના ભટ્ટ બીજા સ્થાને રહી છે.
આ સીઝનના ટોપ ૫ ફાઇનલિસ્ટમાં ગૌરવ ખન્ના, પ્રણિત મોરે, ફરહાના ભટ્ટ, અમાલ મલિક અને તાન્યા મિત્તલનો સમાવેશ થતો હતો.
ફિનાલેની શરૂઆતમાં એલિમિનેશન પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા અમાલ મલિક શોમાંથી બહાર થયા હતા. ત્યારબાદ તાન્યા મિત્તલ અને તે પછી પ્રણિત મોરે પણ રેસમાંથી બહાર થઈ જતા, છેલ્લે ગૌરવ અને ફરહાના વચ્ચે ટોપ ૨ નો મુકાબલો થયો હતો.
૨૪ ઓગસ્ટના રોજ શરૂ થયેલો આ શો કુલ ૧૮ સ્પર્ધકો સાથે શરૂ થયો હતો અને આજે તેનો અંત આવ્યો છે. સલમાન ખાને પોતાના જબરદસ્ત પરફોર્મન્સ સાથે ફિનાલેની શરૂઆત કરી હતી.
ફિનાલેની રાત્રે દર્શકોને એક અત્યંત ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. શો દરમિયાન બિગ બોસની અગાઉની સીઝનનો ધર્મેન્દ્રનો એક થ્રોબેક વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને અને દિવંગત અભિનેતાની યાદો તાજી થતાં હોસ્ટ સલમાન ખાન પોતાની આંખોમાંથી આંસુ રોકી શક્યા ન હતા અને સ્ટેજ પર જ રડી પડ્યા હતા.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
