News of Monday, 8th December 2025
થાઈલેન્ડ-કંબોડિયા સરહદે યુદ્ધ જેવી સ્થિતિ: રોકેટ હુમલાથી થાઈલેન્ડ હચમચી ગયું: થાઈલેન્ડનો વળતો પ્રહાર: એફ-૧૬ ફાઈટર જેટ્સ દ્વારા કંબોડિયા પર ભીષણ એરસ્ટ્રાઈક

બેંગકોક/નોમ પેન્હ: રોયલ થાઈ આર્મીના રિપોર્ટ મુજબ આજે સવારે કંબોડિયા દ્વારા સરહદ પર ભારે રોકેટમારો કરવામાં આવ્યો છે, જેના કારણે બન્ને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી છે.
થાઈલેન્ડની સેના (સેકન્ડ આર્મી એરિયા) દ્વારા મળતી માહિતી મુજબ, આજે સવારે ૮:૩૦ વાગ્યે રોયલ કંબોડિયન આર્મી દ્વારા થાઈલેન્ડની સીમામાં બીએમ-૨૧ મલ્ટીપલ રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બુરી રામ પ્રાંતના બાન ક્રુઅત જિલ્લામાં આવેલા બાન સાઈ થો કાઓ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો છે. આ વિસ્તાર નાગરિક વસ્તી ધરાવતો હોવાથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અગાઉ પણ થાઈ સેનાએ સરહદ પર કંબોડિયા દ્વારા રોકેટ આર્ટિલરીના જમાવડા અંગે ચેતવણી આપી હતી, જે હવે સાચી સાબિત થઈ છે.
કંબોડિયાના હુમલાના જવાબમાં થાઈલેન્ડની વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરતા એફ-૧૬ ફાઈટર જેટ્સ મેદાનમાં ઉતાર્યા છે અને દુશ્મન દેશના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
થાઈલેન્ડ પર થયેલા રોકેટ હુમલાની થોડી જ મિનિટો બાદ રોયલ થાઈ એરફોર્સ હરકતમાં આવી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, થાઈલેન્ડના એફ-૧૬ ફાઈટર જેટ્સ દ્વારા ઉત્તરી કંબોડિયાના ઓડર મીન્ચે પ્રાંતમાં હવાઈ હુમલા (એરસ્ટ્રાઈક) કરવામાં આવ્યા છે. આ હવાઈ હુમલામાં કંબોડિયન આર્મીના આર્ટિલરી પોઝિશન અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચે અચાનક ભડકેલી આ હિંસાએ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવેસરથી શરૂ થયેલા ઘર્ષણમાં અત્યાર સુધીમાં ૨ લોકોના મોત થયા છે અને ૪ લોકો ઘાયલ થયા છે. સેનાના જણાવ્યા અનુસાર, આ તમામ જાનહાની કંબોડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા આર્ટિલરી અને રોકેટ હુમલાના પરિણામે થઈ છે. સરહદ પર સતત ગોળીબાર અને બોમ્બમારાને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
થાઈલેન્ડ અને કંબોડિયા બોર્ડર પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા થાઈલેન્ડના શિક્ષણ મંત્રાલયે તાત્કાલિક અસરથી દક્ષિણ થાઈલેન્ડના પાંચ પ્રાંતોમાં આવેલી ૬૪૧ જેટલી એકેડમી, કોલેજ અને શાળાઓ બંધ કરી દીધી છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ ન આવવા સૂચના આપવામાં આવી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
