News of Monday, 8th December 2025
લગ્નના મંડપમાં વરરાજાએ દુલ્હન પાસે માંગ્યું ‘આઠમું વચન'
લોકો હસી-હસીને લોથપોથ થઈ ગયા, કહ્યું-‘આજથી રૂમમાં...'સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નવી દિલ્હી,તા.૦૮: દિલ્હીના એક લગ્નમાં વરરાજાએ સાત ફેરા બાદ દુલ્હન પાસેથી એક એવું વચન લીધું કે, જેને હાજર તમામ મહેમાનો સહિત દુલ્હનને પેટ પકડીને હસાવ્યા હતા. જોકે, વરરાજાનાં આઠમા વચનનું કનેક્શન પર્સનલ લાઈફ સાથે જોડાયું છે, તેથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં તમામ લોકો હસી-હસીને લોથપોથ થઈ ગયા હતા.
હિન્દુ ધર્મમાં લગ્નનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે, સાત ફેરા ફરીને વર-વધૂ સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન આપે છે. બંને એકબીજાને વચન આપતા કહે છે કે, તેઓ હંમેશા એકબીજાની સાથે રહીને જીવનભરનો સાથ નિભાવશે. આ સાત ફેરા અગ્નિની સાક્ષીએ ફરવામાં આવે છે. જોકે, દિલ્હીના એક લગ્નનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં વરરાજાએ સાત પવિત્ર ફેરા પૂરા કર્યા બાદ એક આઠમું વચન માંગ્યું હતું, જેને સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ભારતીય લગ્નમાં સપ્તપદી એટલે કે સાત વચન નિભાવવામાં આવે છે, પરંતુ દિલ્હીના વરરાજાએ આ પરંપરામાં વધુ એક વચન જોડીને દુલ્હન સહિત ત્યાં હાજર રહેલા મહેમાનોને પેટ પકડીને હસાવ્યા હતા. કારણ કે વરરાજાએ દુલ્હન પાસે રૂમની અંદરનું પર્સનલ વચન માગ્યું હતું. જોકે, આ લગ્નના વચનનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે, લોકો પણ સાંભળીને દંગ રહી ગયા છે.
વીડિયોમાં જોઈ શકો છો કે, વરરાજા મયંક અને દુલ્હન દિયા સ્ટેજ પર બેઠેલા જોવા મળે છે. પુજારીએ લગ્નના સાત વચનો પૂર્ણ કર્યા, જ્યાં વરરાજા હસતા-હસતા દુલ્હન દિયા તરફ જોવે છે અને કહે છે કે, મારે એક વધુ વચન જોઈએ છે. પછી દુલ્હન પણ વિચારમાં પડી ગઈ અને વરરાજાના શબ્દોથી તમામ લોકો ચોંકી ગયા હતા, મયંકે કહ્યું કે, વચન પાળવું પડશે ફરી નહીં જવાનું. આ સાંભળીને દુલ્હનથી લઈને આવેલા તમામ મહેમાનો દંગ થઈ ગયા હતા. વરરાજાએ આઠમાં વચનમાં કહ્યું કે, આજથી રૂમમાં એસીનું ટેમ્પરેચર હું સેટ કરીશ. પહેલા તો દુલ્હન આ વચન સ્વીકારતી નથી, અને દલીલો કરતી જોવા મળે છે, ત્યાર બાદ હાર સ્વીકારીને હાથ જોડીને જવાબ આપે છે કે, ઓકે, તમે એસીનું ટેમ્પરેચર સેટ કરજો. આ સમયે મંડપ તાળીઓ અને હાસ્યથી ગુંજી ઉઠે છે. જોકે, આ કપલ દિલ્હીનું હોવાનું કહેવાય છે.
આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેને ૧.૫ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને કહી રહ્યા છે કે, સુંદર ક્ષણ અને ખૂબ જ અદભૂત બોન્ડિંગ છે. ઘણા લોકોએ મજાકમાં કહ્યું કે એસી ટેમ્પરેચર દરેક ઘરમાં ઝઘડાનું મુખ્ય કારણ છે. તેથી વરરાજાએ આ વચન લઈને ખૂબ જ સારું કામ કર્યું, ઘણા યુઝર્સ આ વીડિયો પર હાર્ટ ઇમોજી શેર કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ભારતીય લગ્નોમાં ઘણીવાર પરંપરાગત વિધિઓ હોય છે, પરંતુ આ વીડિયો બતાવે છે કે, આજની પેઢી સંબંધોમાં રમૂજી અને મિત્રતાને સમાન મહત્વ આપી રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે, એસી ટેમ્પરેચર ઝઘડાનું કારણ બની શકે છે. ક્યારેક તે ખૂબ ઠંડું હોય તો ક્યારેક તે ખૂબ ગરમ હોય છે, અને તેથી જ લોકો વરરાજાના ૮મા વચનની પ્રશંસા કરી રહ્યા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
