<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

૬ વાર ઘરેથી ભાગ્‍યાઃ પરિવારે સાંકળથી બાંધ્‍યાઃ છતાં જુદા ન થયાં

તેરે ઈશ્‍ક મેં પાગલ હો ગયા દિવાના તેરાઃ કહેવાય છે કે પ્રેમ સૌ કોઈને આસાનીથી નથી મળતો અને જ્‍યારે વાત જાતિ અને ધર્મની આવે તો આ પ્રેમને પામવો વધારે મુશ્‍કેલ થઈ જાય છે. કંઈક આવી જ કહાણી ઉત્તર પ્રદેશના સહારનપુરની આ જોડીની છે : લૈલા મજનું જેવી છે કપલની લવ સ્‍ટોરી

સહારનપુર,તા.૦૮: તેરે ઈશ્‍ક મેં મૈં ઈસ તરહ નીલામ હો જાઉં, આખરી બોલી હો તેરી અને મૈં તેરે નામ હો જાઉં. આ લાઇન ભલે ફિલ્‍મની હોય, પણ સહારનપુરની નિગાર ખાનની લવ સ્‍ટોરીને એકદમ બંધ બેસે છે. સહારનપુરની રહેવાસી નિગાર ખાન જે એક સમયે સિમરન કૌરના નામથી ઓળખાતી હતી, તેના નામની સાથે પ્રેમે તેની જિદગી બદલી નાખી, પણ એ પ્રેમને પામવા માટે નિગાર ખાન અને કમાલ ખાનને કપરાં ચઢાણ ચડવા પડ્‍યા હતા.

કહેવાય છે કે પ્રેમ સૌ કોઈને આસાનીથી નથી મળતો અને જ્‍યારે વાત જાતિ અને ધર્મની આવે તો આ પ્રેમને પામવો વધારે મુશ્‍કેલ થઈ જાય છે. કંઈક આવી જ કહાણી ઉત્તર પ્રદેશના સહારનપુરની આ જોડીની છે. જેમણે પોતાના પ્રેમ સફળ કરવા માટે ઘણું બધું સહન કર્યું. આ વાત લગભગ ૨૦૦૫ની છે, જ્‍યારે કમાલ ખાન પોતાની ઓફિસમાં બેસતા હતા અને તેમને ત્‍યાં સિમરન કૌર દેખાઈ. જોતા જ સિમરન તેમને પસંદ આવી ગઈ અને તેમણે સિમરનને પોતાની બનાવવાનો નિર્ણય લઈ લીધો, જે એટલું પણ સરળ નહોતું.

કમાલ ખાને તે સમયમાં પણ સિમરનને ડાયરેક્‍ટ પ્રપોઝ કરી દીધું તો સિમરને પરિવાર સાથે વાત કરવા કહ્યું. પરિવાર સાથે વાત કર્યા બાદ સિમરનની માએ તો લગ્ન માટે હા પાડી દીધી, પણ જ્‍યારે વાત કમાલ ખાનના માતા-પિતાની આવી તો તેમણે આ જોડીને સ્‍વીકારવાની ના પાડી દીધી. કમાલ ખાનને જ્‍યારે એવું લાગ્‍યું કે હવે તે સિમરનને ખોઈ દેશે, ત્‍યારે તેમણે પહેલી વાર ઘરેથી ભાગવાનો નિર્ણય લીધો. બંને પહેલી વાર ઘરેથી ભાગ્‍યા અને અલીગઢ પહોંચ્‍યા, જ્‍યાં થોડા દિવસ રહ્યા, પણ પરિવારના લોકોએ તેમને ત્‍યાં પકડી લીધા.

પરિવારના લોકો જ્‍યારે બંનેને પકડી ઘરે લાવ્‍યા અને સમજાવ્‍યા, પણ બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે અડગ હતા. ત્‍યાર બાદ થોડા દિવસ ઘરે રહ્યા અને બાદમાં ફરીથી ભાગી પંજાબના બટાલા આવી ગયા. ત્‍યાં થોડો સમય રહ્યા, પણ પરિવારના લોકો ત્‍યાં પણ પોલીસ સાથે આવી પહોંચ્‍યા. પરિવારના લોકોએ કમાલ ખાનને ખૂબ માર્યો, પણ કમાલ ખાન પોતાના પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર હતો. કમાલ ખાને ફરી એક વાર પરિવારને અંધારામાં રાખી અને સિમરનને લઈને અમૃતસર આવી ગયો અને ત્‍યાંથી દિલ્‍હી નીકળી ગયા.

દિલ્‍હીમાં બંનેએ ખૂબ સંઘર્ષ કર્યો, પણ પરિવારના લોકોને ત્‍યાં પણ ખબર પડી. દિલ્‍હીથી પરિવારના લોકો ફરી કમાલ ખાનને ઘરે લઈ ગયા, પણ સિમરન એકલી પડી ગઈ. ન તો તેની પાસે રહેવા માટે ઘર હતું અને ન ખાવા માટે પૈસા, પગમાં પહેરવા માટે ચપ્‍પલ પણ નહોતા. આવી સ્‍થિતિમાં સિમરનના પરિવારે તેને આવી હાલતમાં છોડી દીધી હતી. સિમરનના પગમાં ચપ્‍પલ પણ નહોતા, ત્‍યારે તેણે કચરાના ઢગલામાંથી તૂટેલા ચપ્‍પલ લીધા અને લોકો પાસેથી પૈસા માગી દેહરાદૂનમાં કોઈ સંબંધીને ત્‍યાં પહોંચી ગઈ.

કમાલ ખાન અને સિમરન વચ્‍ચેનો સંપર્ક તૂટી ગયો હતો. હવે તેને નહોતી ખબર કે તે ક્‍યાં છે, પણ જ્‍યારે ઉપરવાળો ભેટો કરાવે તો તમને મળતા કોઈ રોકી શકે નહીં. આવું જ આ બંને સાથે થયું. કમાલ ખાનને એક મહિના સાંકળ વડે બાંધી રાખવામાં આવ્‍યો. પણ જેવી સાંકળ ખુલી કમાલ ખાન ફરીથી સિમરનને શોધવા માટે નીકળી પડ્‍યો અને જાણવા મળ્‍યું કે સિમરન દેહરાદૂનમાં રહે છે.

કમાલ ખાન દેહરાદૂન પહોંચ્‍યા અને ત્‍યાં સિમરનને મળ્‍યો. ત્‍યારે બંને વચ્‍ચે વાત થઈ કે હવે તેઓ ફટાફટ લગ્ન કરી લેશે. ત્‍યારે તેમણે પહેલા કોર્ટ મેરેજ કર્યા, પણ કોર્ટ મેરેજ પરિવારે મંજૂર કર્યા નહીં, આવી રીતે તેમણે બે કોર્ટ મેરેજ કર્યા, પણ તેમને લાગ્‍યું કે આ કોર્ટ મેરેજ સાચા નથી તો તેમણે ફરી ઇલાહાબાદમાં જઈને ત્રીજી વાર કોર્ટ મેરેજ કરી પરિવાર સામે પહોંચ્‍યા. કોર્ટ મેરેજના કાગળ જોઈ પરિવારે તેમના લગ્નને મંજૂરી આપી દીધી. આ લવ સ્‍ટોરીમાં બંને પ્રેમ પંખીડા પોતાના ઘરેથી દોઢથી ૨ વર્ષ સુધી ભાગતા રહ્યા અને એકબીજાથી કેટલાય મહિના સુધી દૂર રહ્યા, પણ ક્‍યારેય બંને વચ્‍ચે પ્રેમ ઓછો થયો નહીં.

(10:05 AM IST)