News of Monday, 8th December 2025
ઇનોવા કાર ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પટેલ પરિવારના ૬ સભ્યોના નિધન
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત : મંદિરથી પરત ફરી રહેલા પરિવારની કારે ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવ્યો અને ઇનોવા કાર નિયંત્રણ ગુમાવી ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

નાસિક, તા.૮: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સપ્તશળંગી મંદિરથી પરત ફરી રહેલા પરિવારની ઇનોવા કાર નિયંત્રણ ગુમાવી ૮૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનું ઘટનાસ્થળે જ દુર્ભાગ્યે મોત થયું હતું. અકસ્માત વાણી ગામ નજીકના ભવારી ધોધ પાસે આવેલા ઘાટના ખતરનાક વળાંક પર બન્યો હોવાનું જાણવા મળે છે.
ઓવરટેક દરમિયાન નિયંત્રણ ગુમાવતાં કાર ખીણમાં પટકાઈ
પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કાર ઘાટ પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી ૮૦૦ ફૂટ નીચે ખીણમાં ધસી ગઈ. મળત્યુ પામનારાઓમાં કીર્તિ પટેલ (૫૦), રસીલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), પચન પટેલ (૬૦) અને મણિબેન પટેલ (૬૦)નો સમાવેશ થાય છે. બધા જ લોકો પિંપળગાંવ બસવંત ગામના રહેવાસી હતા.
બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ
અકસ્માતની જાણ થતાં પોલીસ સપ્તશળંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદની ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ કાર જ્યાં પટકાઈ હતી તે સ્થળ અત્યંત જોખમી અને ઊંડા ખીણવાળો હોવાથી બચાવકર્મીઓને નીચે પહોંચવામાં ભારે અડચણો આવી રહી છે. અત્યાર સુધી મળતદેહો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાસિકથી વધારાની બચાવ ટીમોને બોલાવી કામગીરી તેજ કરવામાં આવી છે.
રસ્તાની ખરાબ હાલત પર સ્થાનિકોમાં આક્રોશ
સ્થાનિક રહેવાસીઓએ જાહેર બાંધકામ વિભાગ (PWD) પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ઘાટનો આ વળાંક વર્ષોથી ખરાબ હાલતમાં છે અને અનેક વખત ફરિયાદો કરવા છતાં સમારકામ કરવામાં આવ્યું નથી. દાવો કરવામાં આવે છે કે રસ્તાની ખરાબ સ્થિતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
