<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

દિગ્‍દર્શક વિક્રમ ભટ્ટ, પત્‍નીની ૩૦ કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ

રાજસ્‍થાન પોલીસે લૂક આઉટ નોટિસ બહાર પાડી‘તી : ઉદયપુરની આઇવીએફ હોસ્‍પિટલના સંચાલક પાસેથી પૈસા લીધા બાદ કરાર મુજબ ફિલ્‍મો બનાવી જ નહિ

મુંબઇ તા.૮ : ‘રાઝ', ‘ગુલામ', ‘આવારા પાગલ દિવાના' તથા ‘કસૂર' જેવી ફિલ્‍મોથી જાણીતા દિગ્‍દર્શક વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્‍ની શ્વેતાંબરી ભટ્ટની આજે મુંબઇ તથા રાજસ્‍થાન પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી હતી. વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્‍ની ઉપરાંત અન્‍ય છ લોકો સામે ઉદયપુરની એક આઇવીએફ હોસ્‍પિટલના સંચાલક પાસેથી પૈસા લીધા બાદ કરાર મુજબ ફિલ્‍મો નહિ બનાવ્‍યાનો આરોપ છે. વિક્રમ ભટ્ટની મુંબઇના વર્સોવાના યારી રોડ ખાતેના તેમના સાળીના નિવાસસ્‍થાનેથી  ધરપકડ કરાઇ હતી. બાદમાં રાજસ્‍થાન પોલીસે તેમને ઉદયપુર લઇ જવા માટે  બાંદ્રા કોર્ટમાં ટ્રાન્‍ઝિટ રિમાન્‍ડ માગ્‍યા હતા. વિગત મુજબ ઉદયપુરના ભૂદાપુર પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદના આભારે પોલીસે  સાત દિવસ પહેલા વિક્રમ ભટ્ટ, તેમની પત્‍ની શ્વેતાંબરી ભટ્ટ અને અન્‍ય છ શખ્‍સો સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. વિક્રમ  ભટ્ટ સહિત અન્‍યો પર ઇન્‍દિરા ગ્રુપ ઓફ કંપનીના સ્‍થાપક ડો. અજય મુરડિયા સાથે રૂ. ૩૦ કરોડની છેતરપિંડીનો આરોપ હતો. ડો. મુરડિયા તેમની સ્‍વર્ગથ પત્‍ની વિશે બાયોપિક બનાવવા માંગતા હતા. ડો. મુરડિયાએ ૨૫ એપ્રિલ ૨૦૨૪માં મુંબઇના વૃદાંવન સ્‍ટુડિયોની મુલાકાત લીધી હતી. આ સમયે તેમનો પરિચય વિક્રમ ભટ્ટ સાથે થયો હતો. અહીં બાયોપિકના વિચાર પર ચર્ચા થઇ હતી.

દરમિયાન વિક્રમ ભટ્ટની ટીમે ડો. મુરડિયાને ફિલ્‍મ પ્રોજેક્‍ટમાં ૩૦ કરોડનું રોકાણ કરવા જણાવ્‍યું હતું અને આ ફિલ્‍મ લગભગ ૨૦૦ કરોડનો સંભવિત નફો કરશે તેમ લાલચ આપી હતી. જો કે, આ ફિલ્‍મ કથિર રીતે અધવચ્‍ચે જ અટકી ગઇ હતી અને મૂળ પૈસા પણ પરત કરવામાં આવ્‍યા ન હતા

(11:46 AM IST)