News of Monday, 8th December 2025
ઈન્ડિગો સંકટઃ સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કારઃ સરકારને ‘મેનેજ' કરવા સૂચન!
કંપનીએ પાયલોટના ડયુટી નિયમોમાં ફેરફારને ગણાવ્યું કારણઃ દેશભરના એરપોટર્સ પર મુસાફરો રઝળી પડયા : મુસાફરોની હાલાકી વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું: લાખો લોકો મુશ્કેલીમાં છે, પણ સરકાર આ મામલે કામ કરી રહી છેઃ તેમને તે સંભાળવા દોઃ DGCA એ CEO ને નોટિસ ફટકારી

બેંગલુરુ, તા.૮: છેલ્લા એક અઠવાડિયાથી ઈન્ડિગો એરલાઈન્સમાં ચાલી રહેલા ફ્લાઇટ રદ થવા અને વિલંબના ગંભીર સંકટને લઈને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે લાખો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ સરકાર આ મામલાને સંભાળી રહી છે; તેમને તેને સંભાળવા દો. કોર્ટે અરજદારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો તે અલગ બાબત હશે, પરંતુ હાલ પૂરતું કોર્ટ તેમાં દખલ નહીં કરે. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે ૨,૫૦૦ ફ્લાઇટ્સ મોડી પડી છે અને ૯૫ એરપોર્ટ પ્રભાવિત થયા છે.
સાતમા દિવસે પણ ઈન્ડિગોની ૨૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની અસુવિધા ચરમસીમાએ પહોંચી છે. કંપનીએ સોમવારે એકલા દિલ્હી એરપોર્ટ પરથી ૧૩૪ અને બેંગલુરુ એરપોર્ટ પરથી ૧૨૭ ફ્લાઇટ્સ રદ કરી હોવાના અહેવાલ છે, જેના કારણે હજારો મુસાફરો દેશભરના એરપોર્ટ્સ પર અટવાઈ ગયા છે. આ કટોકટીમાં વૈકલ્પિક મુસાફરી અને વળતરની માંગ સાથે અરજદારના વકીલે ૬ ડિસેમ્બરના રોજ CJI સૂર્યકાંતના નિવાસસ્થાને મુલાકાત લઈને તાત્કાલિક સુનાવણીની વિનંતી પણ કરી હતી, જોકે કોર્ટે સરકારી એજન્સીઓના પગલાં પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ આ ગંભીર કટોકટી અંગે એરલાઇનના CEO પીટર એલ્બર્સ અને જવાબદારી મેનેજર ઇસ્ડ્રો પોર્કેરાસને નોટિસ ફટકારી છે. DGCA એ આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં સંતોષકારક જવાબ આપવાનો સમય આપ્યો છે અને સમયસર જવાબ ન મળવા પર જરૂરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ઈન્ડિગોએ આ ફ્લાઇટ રદ થવા પાછળનું કારણ પાયલોટ્સ માટેની નવી ફ્લાઇટ ડ્યુટી અને નિયમોમાં થયેલા ફેરફારને ગણાવ્યું છે, જે દર્શાવે છે કે આ સમસ્યા માત્ર ઓપરેશનલ જ નહીં, પરંતુ કર્મચારીઓ અને નિયમનકારી પાલન સંબંધિત પણ છે.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપના ઈન્કાર બાદ હવે સમગ્ર ધ્યાન DGCA અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય પર કેન્દ્રિત થયું છે. સરકારે ઝડપથી અને અસરકારક રીતે પગલાં લેવા પડશે જેથી મુસાફરોની હાલાકી દૂર થાય અને એરલાઈન ઓપરેશન્સ સામાન્ય બને. અરજીમાં વળતર અને વૈકલ્પિક વ્યવસ્થાની જે માંગ કરવામાં આવી છે, તે જોતાં હવે DGCA તરફથી કડક આદેશો અને ઈન્ડિગોના CEO દ્વારા આપવામાં આવતા જવાબ પર નિર્ભર છે કે આ સંકટનો ઉકેલ કેટલો ઝડપથી આવે છે અને મુસાફરોને કેટલી રાહત મળે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
