<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ઓસ્ટ્રેલિયામાં વિનાશક બુશફાયરનો કહેર: બે રાજ્યોમાં ડઝનબંધ ઘરો ખાખ, એક બહાદુર ફાયર ફાઇટરનું કરુણ મૃત્યુ!

ન્યૂ સાઉથ વેલ્સના સેન્ટ્રલ કોસ્ટમાં ૧૬ ઘરોનો નાશ; તાસ્માનિયામાં પણ ૧૯ ઘરો સળગ્યા; આગામી દિવસોમાં ૪૦°C તાપમાન સાથે આગનો ખતરો યથાવત

સિડની : ઓસ્ટ્રેલિયામાં વિનાશક બુશફાયરની ઘટનાઓ વચ્ચે સોમવારે એક દુઃખદ સમાચાર આવ્યા છે. સિડનીની ઉત્તરે મોટા પાયે ફેલાયેલી ઝાડીઓની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી વખતે એક ઓસ્ટ્રેલિયન ફાયર ફાઇટરનું રાત્રે કરુણ મૃત્યુ થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે ૫૯ વર્ષીય ફાયર ફાઇટર ગ્રામીણ શહેર બુલાહડેલાહ નજીક ઝાડીઓમાં આગ બુઝાવી રહ્યા હતા ત્યારે તેમના પર એક ઝાડ પડ્યું હતું, જેના કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે આ "ભયંકર સમાચાર" ને કટોકટી સેવાઓના કર્મચારીઓ દ્વારા ઘરો અને પરિવારોને સુરક્ષિત રાખવા માટે કામ કરતી વખતે સામનો કરવામાં આવતા જોખમોની ભયાનક યાદ અપાવે છે તેમ ગણાવી, તેમની બહાદુરીને સન્માન આપ્યું.
વિનાશ અને નુકસાન
સપ્તાહના અંતે ઝડપથી આગળ વધતી આ આગે બે રાજ્યોમાં મોટું નુકસાન પહોંચાડ્યું છે:
•    ન્યૂ સાઉથ વેલ્સ (NSW): સિડનીની ઉત્તરે આવેલા સેન્ટ્રલ કોસ્ટ ક્ષેત્રમાં ૧૬ ઘરોનો સંપૂર્ણ નાશ થયો છે. કૂલવોંગ શહેરના રહેવાસી રુશેલ ડૌસ્ટે જણાવ્યું હતું કે કેવી રીતે તેમના અને તેમના પતિએ પોતાના ઘરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ "બધું જ ખતમ થઈ ગયું છે."
•    તાસ્માનિયા: ટાપુ રાજ્યમાં, હોબાર્ટથી લગભગ ૧૫૦ કિમી દૂર ડોલ્ફિન સેન્ડ્સમાં ૭૦૦ હેક્ટર (૧,૭૨૯ એકર) વિસ્તારમાં લાગેલી આગમાં ૧૯ ઘરો નાશ પામ્યા છે અને ૪૦ ઘરોને નુકસાન થયું છે. જોકે આગ કાબુમાં આવી ગઈ છે, રહેવાસીઓને પાછા ન ફરવાની ચેતવણી આપવામાં આવી છે.
ભવિષ્યનો ખતરો
જોકે રાતોરાત પરિસ્થિતિ હળવી થઈ હતી અને ચેતવણીઓ ડાઉનગ્રેડ કરવામાં આવી હતી, હવામાન વિભાગે મંગળવારે NSWના કેટલાક અંતરિયાળ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ (૧૦૪ ફેરનહીટ) થી વધુ રહેવાની ચેતવણી આપી છે. આ ગરમીના કારણે આગનો ખતરો ફરી વધવાની શક્યતા છે. સોમવાર સુધીમાં NSW માં ૫૦ થી વધુ બુશફાયર સળગી રહ્યા હતા.
પડોશી ન્યૂઝીલેન્ડમાં પણ દેશના સૌથી જૂના રાષ્ટ્રીય ઉદ્યાન, ટોંગારિરો નેશનલ પાર્ક નજીક આગ બુઝાવવા માટે પાંચ હેલિકોપ્ટર અને બહુવિધ ક્રૂ કામ કરી રહ્યા હતા.

(10:21 PM IST)