<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં ૧,૫૩૩ વિદેશી મતદારો નોંધાયા

મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ આપી માહિતી : SIR ઝુંબેશનું ૯૭% કામગીરી પૂર્ણ : વિદેશમાં રહેતા અને ત્યાંની નાગરિકતા ન સ્વીકારનાર ભારતીય નાગરિક ફોર્મ ૬A ભરી શકે છે

 

નવી દિલ્હી, તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ : બિહાર પછી હવે સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં SIR ની કામગીરી ૯૭% પૂર્ણ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિનવાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મતદાર યાદીના પુનરીક્ષણનું ૯૭% કામ પૂરું થઈ ચૂક્યું છે.
નવદીપ રિનવાએ એક અનોખો ડેટા રજૂ કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં લગભગ ૧,૫૩૩ વિદેશી મતદારો નોંધાયેલા છે.
કોણ છે વિદેશી મતદારો?
વિદેશી મતદારોની વ્યાખ્યા સમજાવતા રિનવાએ કહ્યું કે, તે મતદારોને વિદેશી મતદાર કહેવામાં આવે છે, જે ભારતનો નાગરિક છે અને કોઈપણ કારણસર વિદેશમાં રહે છે, પરંતુ તેણે ત્યાંની નાગરિકતા સ્વીકારી નથી.
આવા ભારતીય નાગરિક, જેઓ વિદેશમાં રહે છે પરંતુ ભારતીય નાગરિક તરીકે મત આપવા માંગે છે, તેઓ ફોર્મ-૬A ભરીને વિદેશી મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
ચૂંટણી પંચે આશા વ્યક્ત કરી છે કે SIR અભિયાન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

 

(9:33 AM IST)