તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેસમાં વકીલનો સનસનીખેજ દાવો: "દુર્ઘટના પહેલા થોડી ક્ષણો પહેલા જ વિમાનની લાઈટો ઝબૂકવા લાગી હતી અને ત્યારબાદ લાઈટો લીલી થઈ ગઈ હતી, પ્લેનમાં પાણી લીકેજની સમસ્યા પણ હતી"
લાઈટોનું લીલા રંગમાં ફેરવાઈ જવું એ સૂચવે છે કે વિમાનની પ્રાથમિક વિદ્યુત પ્રણાલી બંધ થઈ ગઈ હતી: પ્લેન સેકન્ડરી અથવા ઈમરજન્સી લાઈટો પર આવી ગયું હતું: નિષ્ણાતો માને છે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં મોટી સમસ્યા સર્જાઈ હતી

અમદાવાદ: અહીં ખાતે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેસમાં પીડિતોના ૧૩૦ પરિવારો તરફથી લડી રહેલા મુખ્ય વકીલ માઈક એન્ડ્રુઝે ટેકનિકલ ખામીઓ અંગે ગંભીર દાવા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પ્લેન ક્રેશ થયું તે પહેલા જ ઈમરજન્સી લાઈટો ચાલુ થઈ ગઈ હતી અને આ પ્રકારના વિમાનોમાં પાણી લીકેજની સમસ્યા પણ જોવા મળી છે.
વિગતવાર જોઈએ તો એએનઆઇ સમાચાર સંસ્થાન દ્વારા ટ્વીટર એક્સ ઉપર પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં નવો અને મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસ લડી રહેલા લીડ વકીલ માઈક એન્ડ્રુઝે એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના જૂથ સાથે પીડિતોના ૧૩૦ પરિવારો જોડાયા છે, અને તેઓ આ પરિવારો વતી સતત તપાસ કરી રહ્યા છે. વકીલે દાવો કર્યો છે કે બચી ગયેલા મુસાફરના જણાવ્યા મુજબ, ક્રેશની થોડી ક્ષણો પહેલા જ વિમાનની લાઈટો ઝબૂકવા લાગી હતી અને ત્યારબાદ લીલા રંગની થઈ ગઈ હતી.
વકીલ અને નિષ્ણાતોના મતે, લાઈટોનું લીલા રંગમાં ફેરવાઈ જવું એ સૂચવે છે કે વિમાનની પ્રાથમિક વિદ્યુત પ્રણાલી (પ્રાઈમરી ઈલેક્ટ્રિકલ બસ) બંધ થઈ ગઈ હતી અને પ્લેન સેકન્ડરી અથવા ઈમરજન્સી લાઈટો પર આવી ગયું હતું. નિષ્ણાતો માને છે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં મોટી સમસ્યા સર્જાઈ હતી.
આ ઉપરાંત, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ વિમાનોમાં પાણી લીકેજની ઘટનાઓ પણ બની હતી. હવે તપાસનો વિષય એ છે કે શું પાણીના લીકેજને કારણે વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર અસર પડી હતી કે કેમ?.
વધુ તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) અને અન્ય તપાસકર્તાઓ આ અઠવાડિયે વોશિંગ્ટન જઈ શકે છે, જ્યાં તેઓ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) સાથે મુલાકાત કરશે અને પુરાવાઓ અંગે ચર્ચા કરશે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
