<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મુઝે મેરી બીવી દિલાઓઃ ૧ વીઘાનું ખેતર વેચી લગ્ન કર્યાઃ દુલ્‍હન ચોથા દાડે ભાગી ગઈ

ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી ફરી એક વાર લૂંટેરી દુલ્‍હનનો કિસ્‍સો સામે આવ્‍યો

અલીગઢ,તા.૦૮: ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી લૂંટેરી દુલ્‍હનનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. ચંડૌસ વિસ્‍તારના ટિકરી ભવાપુરના રહેવાસી હરજ્ઞાન સોમવારે જિલ્‍લાની કલેક્‍ટર કચેરીમાં અધિકારીઓ પાસે પોસ્‍ટર લઈને આવ્‍યો હતો. પોસ્‍ટરમાં લખ્‍યું હતું મને મારી ઘરવાળી પાછી અપાવો.

હરજ્ઞાન દિલ્‍હીમાં એક પ્રાઈવેટ હોટલમાં નોકરી કરે છે. તેણે જણાવ્‍યું કે તેના લગ્ન લગભગ ચાર મહિના પહેલા બુલંદશહર જિલ્‍લાની રિન્‍કૂ નામની એક છોકરી સાથે થયા હતા. આ લગ્ન ગામના અમુક કહેવાતા વચેટિયાઓ દ્વારા થયા હતા. તેના માટે હરજ્ઞાને પોતાની એક વીઘા જમીન વેચી લગભગ ૨ લાખ ૭૦ હજાર રૂપિયા આપ્‍યા હતા. આ બધા રૂપિયા વચેટિયા પપ્‍પનને આપ્‍યા હતા.

હરજ્ઞાનના જણાવ્‍યા અનુસાર, લગ્ન બાદ નવી દુલ્‍હન ખાલી ૩ જ દિવસ તેની સાથે રહી. ચોથા દિવસે તેનો એક સાથી ઘરે આવ્‍યો અને કહ્યું કે તેની માતાની તબિયત ખરાબ છે. આ બહાને રિન્‍કૂ પોતાનો સામાન અને ઘરની કિમતી વસ્‍તુઓ પોતાના ભાઈ સાથે લઈને નીકળી ગઈ. ત્‍યારથી લઈને આજ સુધી તે પાછી નથી આવી.

હવે અલીગઢના વરિષ્ઠ અધિકારીઓ પાસે ન્‍યાય માગવા આવ્‍યો હતો. તેણે માગ કરી કે કાં તો તેને પત્‍ની પાછી અપાવો અથવા તો ન્‍યાય અપાવો. પોલીસ અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્‍યું છે.

(9:57 AM IST)