<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભારે કરી! ફેરા ફરતી વખતે દુલ્‍હનને પ્રેમીની યાદ આવી તો લગ્ન કરવાની ના પાડી

અડધી રાતે ફોન કરી પ્રેમીને ગુજરાતમાંથી બોલાવ્‍યોઃ આખી રાત ડ્રામા ચાલતો રહ્યો

ફતેહપુર,તા.૦૯: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્‍લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ઔંગ વિસ્‍તારના એક ગામમાં વરમાળા બાદ દુલ્‍હને ઝેરી દવા પી લીધી અને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડતા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડી. આ મામલો પ્રેમી સુધી પહોંચાડ્‍યો તો તેણે પણ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ બાજુ વરરાજાએ પણ લગ્ન કરવાની ના પાડતા જાન પાછી ગઈ. બંને જગ્‍યાએ ના આવતા યુવતી બળજબરીથી પ્રેમીના ઘરમાં ઘુસી ગઈ અને પ્રેમી સાથે લગ્ન કરવાની હઠ પકડી. પરિવારના લોકોએ તાત્‍કાલિક ગુજરાતમાં કામ કરી રહેલા પ્રેમીને ફોન કરી ઘરે બોલાવ્‍યો.

ફતેહપુર જિલ્‍લાના ઔંગ વિસ્‍તારના એક ગામની રહેવાસી એક યુવતીના લગ્ન બિદકી વિસ્‍તારના રઝીપુરના રહેવાસી છેદીલાલ નિષાદ સાથે નક્કી થયા હતા. બેન્‍ડ વાજા સાથે ધૂમધામથી જાન છોકરીને પરણવા માટે આવી તો સ્‍વાગત થયું, જાન માંડવે પહોંચી. બાદમાં શાંતિથી વરમાળાનો કાર્યક્રમ થયો. પણ બીજી જ ક્ષણે છોકરી ઘરમાં ગઈ અને તેણે ઝેરી દવા પી લીધી. હાલત બગડતા પરિવારને આ વાતની ખબર પડતા હાહાકાર મચી ગયો. જો કે ઘરમાં જ તેની સારવાર થઈ ગઈ અને તબિયત પણ સારી થઈ ગઈ. બાદમાં દુલ્‍હન આ લગ્ન કરવાની ના પાડી દીધી.

દુલ્‍હન કોઈ પણ ભોગે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. આ વાત સાંભળી માંડવામાં માતમ જેવી સ્‍થિતિ થઈ. વરરાજાના પક્ષના લોકો પણ ટેન્‍શનમાં આવી ગયા, કેમ કે દુલ્‍હનનો પ્રેમી તેમના જ ગામનો એક યુવક નીકળ્‍યો. પરિવારે શોધખોળ કરી તો દુલ્‍હનનો પ્રેમી ગુજરાતમાં કામ કરતો હતો. પરિવારના લોકોએ યુવતીના પ્રેમીને ફોન કર્યો તો તેણે પણ લગ્ન કરવાની ના પાડી દીધી. આ વાત સાંભળી દુલ્‍હન થોડી ઢીલી પડી અને તેણે ઘરે પરણવા આવેલા વરરાજા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ, પણ ત્‍યાં વરરાજાએ આ દુલ્‍હન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને ધમકી આપી કે જો બળજબરી અમારા લગ્ન કરાવ્‍યા તો હું ઝેર ખાઈને જીવ આપી દઈશ.

ત્‍યાર બાદ વરરાજો જાન પરણ્‍યા વિના પાછી લઈને નીકળી ગયો. આખી રાત હાઈ વોલ્‍ટેજ ડ્રામા ચાલ્‍યો. સવારે દુલ્‍હન પોતાના પરિવાર સાથે પ્રેમીના ઘરમાં ઘુસી ગઈ અને ત્‍યાં જ રહેવાની જીદ કરવા લાગી. જ્‍યારે પ્રેમીના પરિવારે છોકરીને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી. હવે આ વાતની જાણ પોલીસ સુધી પહોંચી અને પોલીસ ફોર્સ સાથે આવી અને આખા મામલાની તપાસ હવે ચાલી રહી.

 

(9:58 AM IST)