હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"ભારત પર ૫૦% ટૅરિફનું કારણ રશિયન તેલ નહીં, પણ ટ્રમ્પને યુદ્ધવિરામનો શ્રેય ન આપ્યો તે છે": રઘુરામ રાજનનો વિસ્ફોટ

મુંબઈ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા જંગી ૫૦% ટૅરિફ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે આ પાછળનું સાચું કારણ રશિયન તેલની ખરીદી નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામનો શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પને ન આપવો તે છે. રાજનના જણાવ્યા મુજબ, પાકિસ્તાને ટ્રમ્પના વખાણ કરીને તેમને ખુશ રાખ્યા હોવાથી ત્યાં ઓછો ટૅરિફ લાદવામાં આવ્યો છે.
તાજેતરમાં એક નિવેદનમાં રઘુરામ રાજને સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો ૫૦% ટૅરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે નથી આવ્યો. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો ‘વ્યક્તિત્વ અને અહમ’નો છે.
રાજને વધુમાં ઉમેર્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટક્યો ત્યારે પાકિસ્તાને ચતુરાઈપૂર્વક આ યુદ્ધવિરામનો બધો જ શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો, જેનાથી ટ્રમ્પ ખુશ થયા હતા.
બીજી તરફ, ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું કે આ શાંતિ પ્રક્રિયા બંને દેશો વચ્ચેની પરસ્પર સમજૂતીનું પરિણામ છે અને તેનો શ્રેય કોઈ ત્રીજા પક્ષને જતો નથી. રાજનના મતે, ટ્રમ્પને આ બાબત ગમી ન હતી.
પરિણામે, ટ્રમ્પની ખુશામત કરનાર પાકિસ્તાન પર માત્ર ૧૯% ટૅરિફ લાદવામાં આવ્યો, જ્યારે મક્કમ વલણ અપનાવનાર ભારત પર ૫૦% જેટલો ઊંચો ટૅરિફ ઝીંકવામાં આવ્યો છે.
રઘુરામ રાજને ઉદાહરણ આપતા કહ્યું કે હંગેરી જેવા દેશો પણ રશિયન તેલ ખરીદે છે, છતાં ટ્રમ્પે તેમને માફી આપી છે, જે સાબિત કરે છે કે "તેલખરીદી" મુખ્ય મુદ્દો નહોતો.
આ ઘટનાક્રમ દર્શાવે છે કે ભારતે કોઈ પણ દબાણમાં આવ્યા વિના પોતાના રાષ્ટ્રીય હિત અને સ્વાભિમાનને પ્રાથમિકતા આપી છે, ભલે તેના માટે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
