<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રોયલ કેરેબિયન ક્રૂઝ પર ૩૩ પેગ પીધા બાદ મુસાફરનું મોત: ક્રૂ મેમ્બર્સ પર નશાકારક ઇન્જેક્શન આપી મારી નાખવાનો ગંભીર આરોપ

નશાની હાલતમાં માઈકલ વર્જિલ ભૂલથી ખોટા ફ્લોર પર ઉતરી ગયા હતા અને પોતાનો રૂમ ન મળતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા

અમેરિકાની પ્રખ્યાત રોયલ કેરેબિયન ક્રૂઝ પર એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ૩૫ વર્ષીય માઈકલ વર્જિલ નામના મુસાફરનું શંકાસ્પદ મોત થયું છે. મૃતકના પરિવાર અને મંગેતરે ક્રૂઝ કંપની સામે ગંભીર આરોપો સાથે કોર્ટમાં દાવો માંડ્યો છે. પરિવારનું કહેવું છે કે ક્રૂઝના સ્ટાફે માઈકલને ૩૩ જેટલા આલ્કોહોલિક ડ્રિંક્સ-પેગ પીવડાવ્યા હતા અને ત્યારબાદ તેને કાબૂમાં લેવા માટે બળજબરીપૂર્વક 'હેલોપેરીડોલ' નામનું ઘાતક ઇન્જેક્શન આપ્યું હતું, જેને કારણે તેનું હાર્ટ અટકી જતાં મોત નીપજ્યું હતું.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મૃતકની મંગેતર કોની એગ્યુલરે તાજેતરમાં કોર્ટમાં વળતર માટે દાવો દાખલ કર્યો. પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના ડિસેમ્બર ૨૦૨૪માં રોયલ કેરેબિયનના જહાજ 'નેવિગેટર ઓફ ધ સીઝ' પર બની હતી. માઈકલ વર્જિલ પોતાના પરિવાર સાથે સાન પેડ્રોથી મેક્સિકો જઈ રહ્યા હતા. આરોપ છે કે મુસાફરીની શરૂઆતમાં જ સ્ટાફે બેદરકારી દાખવી માઈકલને ૩૩ જેટલા ડ્રિંક્સ પીરસ્યા હતા, જેના કારણે તેઓ હોશ ગુમાવી બેઠા હતા.

નશાની હાલતમાં માઈકલ વર્જિલ ભૂલથી ખોટા ફ્લોર પર ઉતરી ગયા હતા અને પોતાનો રૂમ ન મળતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન પરિસ્થિતિ વણસતા ક્રૂ મેમ્બર્સે તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સુરક્ષાકર્મીઓએ માઈકલ પર પેપર-મરી સ્પ્રેનો મારો ચલાવ્યો હતો. પરિવારનો સૌથી ગંભીર આરોપ એ છે કે જહાજના કેપ્ટનના કહેવાથી મેડિકલ સ્ટાફે માઈકલને જબરદસ્તી 'હેલોપેરીડોલ' નામનું શક્તિશાળી સેડેટીવ (ઘેનની દવા) ઇન્જેક્શન આપ્યું હતું.

ઇન્જેક્શન આપ્યાના થોડા જ સમયમાં માઈકલને કાર્ડિયોપલ્મોનરી એરેસ્ટ (હૃદયરોગનો હુમલો) આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. 

મૃતકના વકીલ કેવિન હેઈન્સે મીડિયાને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયથી ક્રૂઝ શિપ પર ગંભીર ઈજાઓ અને મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે." હાલમાં આ મામલે એફબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારે ક્રૂઝ કંપની પાસે ભારે વળતરની માંગ કરી છે.

(10:04 AM IST)