<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ઇન્ડિગો સંકટ યથાવત્ : હૈદરાબાદ એરપોર્ટ પર ૬ દિવસમાં પ્રથમ વખત રદ્દ ફ્લાઇટ્સની સંખ્યા ૧૦૦ની નીચે : આજે કુલ ૫૮ ફ્લાઇટ્સ રદ્દ

૫ ડિસેમ્બરે ૧૫૫ ફ્લાઇટ્સ રદ્દ થયા બાદ આજે સૌથી ઓછી સંખ્યા : દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત અનેક મુખ્ય રૂટ પર વિક્ષેપ : એરલાઇને ₹૮૨૭ કરોડના રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની ખાતરી આપી

 

હૈદરાબાદ, તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ : મંગળવારે (૯ ડિસેમ્બર, ૨૦૨૫) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (RGIA) પર ઇન્ડિગોની ફ્લાઇટમાં વિક્ષેપ ચાલુ રહ્યો હતો, પરંતુ કુલ રદ્દીકરણના આંકડામાં રાહત જોવા મળી છે. એરલાઇને આજના દિવસ માટે કુલ ૫૮ સેવાઓ રદ્દ કરી હતી, જેમાં ૧૪ આગમન (Arrivals) અને ૪૪ પ્રસ્થાન (Departures) ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ૪ ડિસેમ્બર પછી પ્રથમ વખત છે કે દૈનિક રદ્દીકરણની સંખ્યા ૧૦૦ ની નીચે આવી છે.
જોકે સંખ્યા ઘટી છે, તેમ છતાં દિલ્હી, મુંબઈ, ગોવા, કોચીન, વિશાખાપટ્ટનમ, વારાણસી, પટના, શ્રીનગર, કોલકાતા, અમદાવાદ, પ્રયાગરાજ, લખનૌ, બાગડોગરા, ચેન્નાઈ અને જોધપુર સહિતના મુખ્ય રૂટ્સ પર વિક્ષેપ ચાલુ રહ્યો હતો, જેના કારણે પ્રવાસીઓને અસુવિધા થઈ હતી. અનેક મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની હતાશા વ્યક્ત કરી હતી. એક મુસાફરે લખ્યું કે, "મારી ૧૧ ડિસેમ્બરની હૈદરાબાદથી કોઝિકોડની ફ્લાઇટ મોડી રાત્રે રદ્દ થઈ ગઈ. આના કારણે મારી આગળની રેલવે ટિકિટો તેમજ હોટેલ બુકિંગને પણ અસર થઈ છે." અન્ય એક ફ્લાયર, સુબ્રત પૉલે જણાવ્યું કે, "મારી હૈદરાબાદથી બેંગલોરની ફ્લાઇટ રદ્દ થઈ ગઈ. રાંચીથી હૈદરાબાદ આવ્યો, હવે બેંગલોર જવા માટે બસ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું." એક અન્ય યાત્રીએ મધ્ય-પ્રવાસ દરમિયાન તેમની યોજનાઓ ખોરવાઈ હોવાનું જણાવ્યું.
ઇન્ડિગોના રદ્દીકરણનો દૈનિક આંકડો ધીમે ધીમે નીચે આવી રહ્યો છે, જે ૫ ડિસેમ્બરે ૧૫૫ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ડીસેમ્બર ૫ ના ૧૫૫, ડીસેમ્બર ૬ ના ૧૪૪, ડીસેમ્બર ૭ ના ૧૨૬ અને ડીસેમ્બર ૮ ના ૧૧૨ રદ્દીકરણ બાદ આજે આ સંખ્યા ૫૮ પર આવી છે. ઇન્ડિગોએ સોમવારે (૮ ડિસેમ્બર) આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ૭ ડિસેમ્બરના ૧,૬૫૦ ફ્લાઇટ્સની તુલનામાં તે દિવસે ૧,૮૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું. એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે ₹૮૨૭ કરોડના રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, અને ૧૫ ડિસેમ્બર સુધીના રદ્દીકરણ માટે બાકી રહેલી રિફંડની રકમની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.

 

(10:09 AM IST)