<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

દિલ્હી ફરી બન્યું ગેસ ચેમ્બર: અક્ષરધામ સહિતના વિસ્તારોમાં ઝેરી ધુમાડા અને ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આજે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ અને પ્રદૂષણ મિશ્રિત ‘સ્મોગ’નું જાડું થર જોવા મળ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

 

શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હીની હવા ફરી ઝેરી બની રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, રાષ્ટ્રીય રાજધાનીના અક્ષરધામ મંદિર આસપાસના વિસ્તારમાં, આનંદ વિહાર અને આશ્રમ ફ્લાયઓવર જેવા વિસ્તારોમાં આજે સવારથી જ ગાઢ ધુમ્મસ અને ધુમાડો છવાયેલો રહ્યો હતો. હવામાનમાં પલટો અને પવનની ગતિ ધીમી પડવાને કારણે પ્રદૂષકો વાતાવરણમાં જકડાઈ રહ્યા છે. 

 

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીનો સરેરાશ વાયુ ગુણવત્તા આંક (એક્યુઆઈ) ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધાયો છે. ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે અને વાહનચાલકોને દિવસે પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ડોક્ટરોએ શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ અને વૃદ્ધોને વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે.

(10:16 AM IST)