<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

આવક વિના મ્‍યુ. કોર્પોરેશન પોતાની ફરજો બજાવી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ

સરકાર કે તેની સ્‍વાયત્ત સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવેલાં સુધારા કે આર્થિક નીતિઓ પ્રત્‍યે જાહેર હિતની આડમાં આશંકા વ્‍યક્‍ત કરવા હાઇકોર્ટ પોતાનો હસ્‍તક્ષેપ કરી શકે નહીં

નવી દિલ્‍હી તા.૯: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે આવક ઉભી કર્યા વિના મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેની ફરજો અદા કરશે અથવા તો તેની કાનૂની જવાબદારીઓ નિભાવશે એવી આશા રાખી શકાય નહીં, અને તેની આ પૈકીની કોઇપણ ફરજ કે જવાબદારીમાં ચૂક ઉભી થાય તો અવ્‍યવસ્‍થા સર્જાઇ શકે છે, રોગચાળો ફેલાઇ શકે છે અને નાગરિકોના જીવન ઉપર વિપરીત અસર ઉભી થઇ શકે છે.

ન્‍યાયમૂર્તિ સર્વશ્રી વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેંચે બોમ્‍બે હાઇકોર્ટની નાગપુર બેંચના એ આદેશને રદ કરતા કહ્યું હતું જેમાં ૧૬ વર્ષ બાદ પ્રોપર્ટી ટેક્ષ નાંખવાના અકોલા મ્‍યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને રદ કરાયો હતો.

આવક ઉભી કર્યા વિના મ્‍યુનિસિપલ કોર્પોરેશન તેની ફરજો અદા કરશે અથવા તો તેની કાનૂની જવાબદારીઓ નિભાવશે એવી આશા રાખી શકાય નહીં. એ વાતનો ઇન્‍કાર થઇ શકે તેમ નથી કે સમય જતાં  તમામ કામકાજ અને ફરજો બજાવવા પાછળના ખર્ચમાં વધારો થયો છે, તેથી વધતા જતાં ખર્ચને પહોંચી વળવા ટેક્ષના માળખાની સમયે સમયે સમીક્ષા કરવી એ બિનઅપવાદરૂપ બાબત છે એમ બેંચે અકોલા મ્‍યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આપતાં કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સરકાર કે તેની સ્‍વાયત્ત સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવેલાં સુધારા કે આર્થિક નીતિઓ પ્રત્‍યે જાહેર હિતની આડમાં આશંકા વ્‍યક્‍ત કરવા હાઇકોર્ટ પોતાનો હસ્‍તક્ષેપ કરી સકે નહીં. ન્‍યાયમૂર્તિ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેંચે કહ્યું હતું કે, સરકાર દ્વારા કે તેની કોઇ સંસ્‍થા દ્વારા બંધારણના કાયદા કે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્‍લંઘન કરીને પ્રજાને નુકસાન પહોંચાડવામાં આવ્‍યું હોય એવા કિસ્‍સામાં જ જાહેર હિત ખાતર કોર્ટ પોતાનો હસ્‍તક્ષેપ કરી શકે.

(10:28 AM IST)