હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેહરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીને ગાળો આપવા સંસદમાં એક આખો દિવસ ફાળવી દો અને હિસાબ પૂરો કરોઃ પ્રિયંકા ગાંધીનો વડાપ્રધાનને સીધો પડકાર

નવી દિલ્હી તા.૯: લોકસભામાં વંદે માતરમ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમમોદી સામે આક્રમક વલણ અપનાવતા એક અનોખો પડકાર ફેંક્યો છે. તેમણે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પંડિત નેહરુ અને ગાંધી પરિવારને કોસવા માટે સંસદનો કિમતી સમય બગાડવાને બદલે એક ખાસ દિવસ નક્કી કરી લો, તે દિવસે મન ભરીને ગાળો આપી લો અને હિસાબ બરાબર કરી લો, જેથી બાકીના દિવસોમાં દેશની જનતાના સળગતા પ્રશ્નો પર ચર્ચા થઈ શકે.
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને યાદ અપાવ્યું હતું કે તેઓ પોતાના અપમાનની ગણતરી રાખે છે, પરંતુ દેશ માટે શહીદ થનારા નેહરુ - ગાંધી પરિવાર પર થતા પ્રહારો તો અગણિત છે. તમે તમારા અપમાનની યાદી રાખો છો, અમારા પરિવારની ગાળો ગણવા બેસીશું તો પુસ્તકો ભરાઈ જશે
સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિક્ટિમ કાર્ડ રમવાની પદ્ધતિ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઙ્કવડાપ્રધાન ઘણીવાર રડદાયક સ્વરે કહે છે કે વિપક્ષે તેમને કેટલી વાર ગાળો આપી. તેઓ તો ગણતરી પણ રાખે છે કે તેમને કેટલી વાર અપશબ્દો કહેવાયા. પરંતુ જો હું અને મારો પક્ષ મોદીજી અને તેમના મંત્રીઓએ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ વાપરેલા અપશબ્દોની યાદી બનાવવા બેસીએ, તો એક આખું પુસ્તક લખાઈ જશે.
પ્રિયંકા ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને સંબોધતા એક કટાક્ષપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘‘મારી એક વિનંતી છે. આપણે સંસદમાં એક દિવસ અથવા બે દિવસનો સમય માત્ર નેહરુજી, ઇન્દિરાજી અને રાજીવજીની ટીકા કરવા માટે ફાળવી દેવો જોઈએ. સત્તાપક્ષના સભ્યોને જે કંઈ પણ કહેવું હોય, જેટલી પણ ગાળો આપવી હોય તે આપી દે. એકવારનો બધો હિસાબ પૂરો કરી લો. પરંતુ ત્યાર બાદ, મહેરબાની કરીને વર્તમાન સમયની વાત કરો અને બેકર, મોંઘવારી, કિસાનો સહિતની દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો.
જેમણે ૩૨ ગોળીઓ ખાધી અને શરીરના ટુકડા થયા, તેમનું રોજ અપમાન થાય છે ભાવુક થતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, મારા દાદી ઇન્દિરા ગાંધીએ દેશની એકતા માટે છાતીમાં ૩૨ ગોળીઓ ખાધી હતી. મારા પિતા રાજીવ ગાંધી દેશ માટે શહીદ થયા, તેમના શરીરના ટુકડા થઈ ગયા હતા. તેમ છતાં, ભાજપના નેતાઓ રોજ સવારે ઉઠીને તેમનું અપમાન કરે છે. અમે આ બધું સહન કરીએ છીએ કારણ કે અમે દેશ માટે કામ કરીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન પાસે ઇતિહાસ બદલવાની શક્તિ નથી, તેથી તેઓ માત્ર તેને વિકૃત કરી રહ્યા છે.
પોતાના ભાષણના અંતે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વારંવાર નેહરુ અને ૭૦ વર્ષનો હિસાબ માંગવાનો એકમાત્ર હેતુ વર્તમાન સરકારની નિષ્ફળતાઓ છુપાવવાનો છે. જ્યાં સુધી સંસદમાં મોંઘવારી, બેરોજગારી અને અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે ઇતિહાસને કોસવામાં આવશે, ત્યાં સુધી દેશનું ભલું થશે નહીં.
સંસદમાં પ્રિયંકા ગાંધીનો વડાપ્રધાન પર સીધો પ્રહારઃ 'વંદે માતરમ'ના નારા સાથે અમારા પૂર્વજો ફાંસીએ ચડ્યા હતા, તમારી વિચારધારા ત્યારે ક્યાં હતી?
સંસદમાં વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે આક્રમક તેવર બતાવ્યા હતા. પોતાના પ્રથમ જ ધારદાર પ્રવચનમાં તેમણે સરકાર પર ઈતિહાસ સાથે ચેડાં કરવાનો અને ચૂંટણીલક્ષી રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે વડાપ્રધાનનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે અને તેઓ મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે જ રાષ્ટ્રીય ગીત પર ચર્ચા કરાવી રહ્યા છે.
લોકસભામાં ગઈકાલે વંદે માતરમ ગીતની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી ચર્ચા રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં ફેરવાઈ ગઈ હતી. વાયનાડના સાંસદ તરીકે સંસદમાં પોતાનું પહેલું મોટું ભાષણ આપતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના ભાષણનો મુદ્દાસર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સારા વક્તા છે, પરંતુ તેમના તથ્યો નબળા છે. તેમણે વડાપ્રધાનને પડકારતા કહ્યું કે આજે જે લોકો રાષ્ટ્રવાદના પાઠ ભણાવી રહ્યા છે, તેમની વિચારધારા આઝાદીની લડાઈ વખતે ક્યાં હતી?
પ્રિયંકા ગાંધીએ ભાજપના નેતાઓને ઈતિહાસ યાદ અપાવતા કહ્યું હતું કે, ૧૮૯૬માં જ્યારે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પહેલીવાર કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં વંદે માતરમ ગાયું હતું, ત્યારે ત્યાં કોંગ્રેસના નેતાઓ હાજર હતા, નહીં કે આર.એસ.એસ. કે હિન્દુ મહાસભાના. તેમણે દલીલ કરી હતી કે આ ગીત કોંગ્રેસના દરેક અધિવેશનમાં ગવાતું આવ્યું છે અને તે દેશની આત્મા છે. પંડિત નેહરુ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચેના પત્રવ્યવહારનો ઉલ્લેખ કરીને તેમણે સરકાર પર અડધું સત્ય રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.
સરકારના હેતુ સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે અત્યારે અચાનક આ ચર્ચા જગાડવા પાછળના માત્ર બે જ કારણો છે - એક તો પヘમિ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણી અને બીજું મોંઘવારી, બેરોજગારી અને અદાણી જેવા મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવું. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, તમે (ભાજપ) ચૂંટણીઓ માટે કામ કરો છો, જ્યારે અમે દેશ માટે કામ કરીએ છીએ. ભલે ગમે તેટલી ચૂંટણીઓ હારીએ, અમે તમારી વિચારધારા સામે લડતા રહીશું.
વડાપ્રધાન દ્વારા વારંવાર નેહરુના ઉલ્લેખ પર વળતો પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જો નેહરુએ આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. અને ઈસરો જેવી સંસ્થાઓનો પાયો ન નાખ્યો હોત, તો આજે 'વિકસિત ભારત'ની વાત કરવી શક્ય ન હોત. તેમણે સરકારને પડકાર ફેંક્યો હતો કે નેહરુ પર એકવાર અલગથી ચર્ચા કરી લો અને હિસાબ પૂરો કરો, જેથી સંસદનો સમય વર્તમાન સમસ્યાઓ ઉકેલવામાં ફાળવી શકાય.(૩૮.૩૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
